આણંદ : વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સોમવાર સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાનારી છે, જેની તૈયારીઓ આગલા દિવસ સુધી જોવા મળી હતી. ઉચ્ચસ્તરીય સુરક્ષા અધિકારીઓ સહિત વહીવટી તંત્ર પણ ખડેપગે જોવા મળ્યું હતું. જોકે, વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન ભાજપના જ કેટલાક નેતા આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રજુઆત કરે તેવી શક્યતા છે. આ કાર્યક્રમ સંગઠનનો હોવાથી કોઇ મોટી જાહેરાત થાય તેવી શક્યતા નથી. આમ છતાં મહાનગરપાલિકાના દરજ્જા માટે વધુ એક વખત વડાપ્રધાનના કાને વાત નાંખવામાં આવશે.
આણંદ જિલ્લો બન્યાને અઢી દાયકા જેવો સમય થયો છે, આ અઢી દાયકા દરમિયાન જિલ્લાકક્ષાએ આણંદ શહેરનો વિકાસ પણ ઝડપી થયો છે. આ ઉપરાંત આસપાસમાં જીટોડીયા, લાંભવેલ, ચિખોદરા, મોગરી સહિતના ગામોમાં પણ વિકાસ દેખાયો છે. જોકે, 2007થી આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વારંવાર રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતના પગલે દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી. જેમાં આણંદ શહેર ઉપરાંત વિદ્યાનગર, કરમસદ પાલિકા અને આસપાસના ગામોનો સમાવેશ કરી વિસ્તાર અને વસતીની દ્રષ્ટિએ મહાનગરપાલિકાના દરજ્જાનો દાવો કરવામાં આવ્યો હતો. આ માગણીઓના પગલે 2012માં અવકૂડા (આણંદ, વિદ્યાનગર અને કરમસદ અર્બન ડવલપમેન્ટ ઓથોરિટિ)ની રચના કરવામાં આવી હતી. અવકૂડામાં જે તે સમયે આસપાસના ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં વહીવટી કેટલીક ક્ષતિઓ ઉભી થતાં ગ્રામ્ય વિસ્તાર નાબુદ કરવામાં આવ્યો હતો અને ફક્ત આણંદ, વિદ્યાનગર અને કરમસદ પાલિકાનો વિસ્તાર જ અવકૂડામાં રાખવામાં આવ્યો હતો.
આણંદમાં અવકૂડાના બન્યાનાને પણ દસકો થયો છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વખતે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી આશા જાગે છે. સ્થાનિક નેતાઓ પણ આ વાત લઇને ગાંધીનગર સુધી દ્વાર ખખડાવે છે. પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદ્યાનગર ખાતે 10મી ઓક્ટોબરના રોજ સભા યોજાનારી છે. ભાજપ સંગઠનના જ આ કાર્યક્રમને પગલે ભાજપના નેતાઓ જાહેરાત સાથે જ કામે લાગી ગયાં હતાં.
વહીવટી તંત્ર સાથે સંકલન સાધી સુરક્ષા, સરળતા તમામ બાબતે કામગીરી અંતિમ ક્ષણ સુધી જોવા મળી હતી. હેલીપેડ ખાતે આગતા સ્વાગતાથી લઇ છેક વિદાય સુધી કોણ વડાપ્રધાન સાથે રહેશે ? તે અંગેનો કાર્યક્રમ નક્કી થઇ ચુક્યો છે. આ ગાળામાં નેતાઓ આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રજુઆત કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. અલબત્ત, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે પણ આ મુદ્દો તેમની સામે આવી ચુક્યો છે. માટે તેઓ સમગ્ર બાબતથી અવગત છે. આથી, આ મુદ્દે વ્હેલી તકે જાહેરાત થાય તેવું સ્થાનિક નેતાઓ ઇચ્છી રહ્યાં છે.