નવરાત્રીના પડઘમ શાંત થયા બાદ હવે સુરતીઓ દિવાળીની તૈયારીઓ તરફ આગળ ધપ્યા જ હશે. તેમાં સૌ પ્રથમ તો સફાઇનો વારો હોય છે. સફાઇ અને શોપિંગ દિવાળીની તૈયારીઓનો મહત્વનો ભાગ હોય છે. પહેલાના સમયમાં ઘરના લોકો સાથે મળીને ઘરની સફાઇ, દિવાળીના નાસ્તા વિ. તૈયારીઓ કરતા, ત્યારે લોકો સંયુકત કુટુંબમાં પણ રહેતા હતા. આજે મોટા ભાગના લોકો ન્યુકિલયર ફેમિલીમાં રહે છે જયાં હવે લેડીઝ પણ વર્કીંગ બની છે અને સમય સાથે સગવડોનો ઉમેરો થયો છે. જેમાં એક છે કલીનીંગ એજન્સીઓ પાસેથી ઘર સાફ કરાવવું. લેડીઝ હવે કલીનીંગ એજન્સીઝ પાસે પૈસા ખર્ચીને દિવાળીના સમયે અથવા વાર્ષિક કોન્ટ્રાકટ આપી વર્ષ દરમ્યાન ઘરની સફાઇ કરાવે છે. હવે ઘરના વડીલો પણ પ્રેકટીકલ થયા છે અને સગવડોનો ઉપયોગ કરતા થયા છે. તો ચાલો જાણીએ આ ટ્રેન્ડ વિશે…
થોડા પૈસા ખર્ચીને પણ ક્લાયન્ટ્સ મરજી મુજબનું કામ કરાવે છે : રુચિ દેસાઇ
શહેરના ઘોડદોડ વિસ્તારમાં રહેતા અને ક્લિનીંગ સર્વિસ ચલાવતા રુચિ દેસાઈ જણાવે છે કે, હવે ફેમિલી અલગ થયા છે એટલે ફેમિલી નાના થયા છે અને ઘર મોટા થયા છે તેથી સફાઈ મેનેજ થતી નથી, ત્યારે હવે મેઇડસ પણ ઘરની સફાઈ માં પહોંચી નથી શકતી. આ ઉપરાંત ઘર નાનું હોય તો હસબન્ડ વાઇફ બંને જોબ કરતાં હોવાથી તેઓ પહોંચી નથી શકતા જેથી આજે લોકોમાં આ ટ્રેન્ડ ખાસ વધ્યો છે. લોકો હવે પ્રેક્ટિકલ થયા છે અને વિચારે છે કે થોડા પૈસા ભલે વધુ જાય પરંતુ તેમની મરજી મુજબ નું કામ થાય છે જેથી ગ્રાહકો હવે આ સર્વિસ તરફ વળ્યા છે. રુચી કહે છે કે ખાસ કરીને લોકો હવે આખા વર્ષનું પેકેજ લેતા થયા છે જેમાં વર્ષમાં 2 વાર ઘરની સફાઈ કરવામાં આવે છે જ્યારે કોમર્શિયલમાં વર્ષમાં 3 થી 4 વાર સફાઈ થાય છે.
ડસ્ટની એલર્જીને કારણે એજન્સી પાસે સફાઈ કરાવું છુ:ભાવના મુકાતીવાલા
શહેરના વેસુ વિસ્તારમાં રહેતા ભાવના બહેન મુકાતીવાલા જણાવે છે કે મને ડસ્ટ ની એલર્જી છે અને મારા હસબન્ડ જોબ ના કારણે મોટાભાગનો સમય ઘરની બહાર રહે છે. મારા હસબન્ડ શીપમાં કેપ્ટન હોવાથી અને બાળકો નાના હોવાથી હું ઘરમાં એકલી પડતી હતી અને કામમાં પહોંચી ન શકતી ન હતી અને હવે મારા દીકરા વહુ વિદેશમાં રહેતા હોવાથી ઉંમરના કારણે હું હવે એકલા હાથે સફાઇ કરી શકતી ન હોવાથી હું હોમ ક્લિનીંગની સર્વિસ લેવાનું પસંદ કરું છું.
આપણાં ટાઈમ મુજબ કામ થઈ જાય છે: ભક્તિબહેન પટેલ
સુરતના પિપલોદ વિસ્તારમાં રહેતા ભક્તિ પટેલ છેલ્લા 3 વર્ષથી ક્લીનિંગ સર્વિસ કંપનીનો લાભ લે છે. ભક્તિબહેન કહે છે કે, આ અગાઉ હું મારા ઘરની સફાઈ કામવાળી બાઈ પાસે કરાવતી હતી પરંતુ દિવાળીના સેમી પર બીજે પણ સફાઈ માટે જવાનું હોવાથી બાઈઓ સરખું કામ કરતી નહીં અને આપેલા સમય પર આવતી ન હોવાથી તેમને શોધવાની ઝંઝટ પણ બહુ રહેતી હતી. જો કે મારા હસબન્ડ આર્કિટેક્ટ છે જેથી તેઓ અમારી ઓફિસમાં તો કંપની પાસેથી જ ક્લીનિંગ કરાવતા હતા જેથી ઘરમાં પણ અમે તેમની પાસેથી જ ક્લીનિંગ કરાવવાનું શરૂ કર્યું અને અમને આ સર્વિસ કમ્ફર્ટેબલ લાગી એટ્લે અમે ફકત દિવાળીમાં જ નહીં પરંતુ આખા વર્ષનો સફાઈનો કોન્ટ્રાક્ટ જ આપી દઈએ છીએ જેથી અમારું ઘર હંમેશા સાફ જ રહે છે.
વડીલો થયા પ્રેક્ટિકલ
આજે હવે મોટાભાગના કુટુંબોમાં દીકરા વહુ જોબ કરતાં હોય છે ત્યારે ઘરના વડીલો પણ હવે સમજતાં થયા છે કે ઘરની સફાઈ માટે તેઓ પહોંચી શકે એમ નથી જેથી ક્લિનીંગ કંપની પાસે કામ કરાવવામાં સપોર્ટ આપતા થયા છે.
શ્રીમંત વર્ગ ઉપરાંત વર્કિંગ વ્યક્તિઓમાં વધ્યું ચલણ
તહેવારો આપણને આનંદ આપે છે પરંતુ દિવાળીમાં તો આખા ઘરને ચમકાવવાનું હોય છે જેથી શહેરનો શ્રીમંત વર્ગ તો ઘણા સમયથી આ સર્વિસનો ઉપયોગ કરે જ છે પણ હવે આખા ઘરની કે ઘરના અમુક હિસ્સાની સફાઈ માટે આજની વર્કિંગ વુમન પણ હોમ ક્લીનિંગ સર્વિસનો સહારો લેતી થઈ છે, અને ધીમે ધીમે વધી રહેલા આ ચલણને કારણે કંપનીઓ પણ સસ્તા પેકેજ આપી રહી છે જેથી ફ્રી સમયમાં ઘરની સફાઈ કરવાય છે જેથી સફાઈની કડાકૂટમાથી મુક્તિ મળે છે અને દિવાળીનો તહેવાર સારી રીતે એન્જોય કરી શકાય છે.