ખેરગામ: ખેરગામના (Khergam) આછવણી દાદરી ફળિયામાં રહેતા નવીનભાઈ ઠાકોરભાઈ પટેલે ખેરગામ કુંભારવાડ રમેશ સ્ટુડિયોની સામે રહેતા નદીમ નીઝામ શેખ પાસેથી 1.45 લાખ રૂપિયા 13% વ્યાજે (Interest) લીધા હતા અને તે રૂપિયાનું વ્યાજ પેટે રોકડ તથા મોબાઇલ ગૂગલ પે (Google Pay) દ્વારા 3.60 લાખ રૂપિયા ચૂકતે પણ કર્યા હતા. તેમણે વ્યાજે લીધેલ મૂળ રકમ કરતાં પણ વધારે ચુકવણું કર્યું હોવા છતાં અવારનવાર વ્યાજના પૈસા બળજવરીપૂર્વક માંગતા મામલો ખેરગામ પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો
- ‘દર મહિનાની પહેલી તારીખે વ્યાજના પૈસા ન આપ્યા તો હાથ પગ તોડી નાખીશું’ ધમકી આપનાર ચાર વ્યાજખોરો સામે ગુનો દાખલ
- ખેરગામના આછવણી દાદરી ફળિયાના રહીશને 13 ટકા વ્યાજે રૂપિયા લેવાનું ભારે પડ્યું
- અવારનવાર વ્યાજના પૈસા બળજવરીપૂર્વક માંગતા મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો
ખેરગામ તાલુકાના આછવણી ગામના દાદરી ફળિયામાં રહેતા નવીનભાઈ ઠાકોરભાઈ પટેલે આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે ખેરગામ કુંભારવાડ રમેશ સ્ટુડિયોની સામે રહેતા નદીમ નિઝામ શેખ પાસેથી 1.45 લાખ 13 ટકા વ્યાજે લીધેલા હતા અને તે રૂપિયાનું વ્યાજ પેટે રોકડ તથા મોબાઇલ ગૂગલ પે દ્વારા 3.60 લાખ રૂપિયા ચૂકતે કર્યા છે. જે તેમણે વ્યાજે લીધેલી મૂળ રકમ કરતાં પણ વધારે ચુકવણું કર્યું હોવા છતાં અવારનવાર વ્યાજના પૈસા બળજબરીપૂર્વક લેવા અને દર મહિનાની પહેલી તારીખે વ્યાજના પૈસા ન અપાય તો તેઓ ગાળો બોલી હાથ પગ તોડી મારી નાખવાની ધમકી આપતા હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે નદીમ નિઝામ શેખ નિગમ નિઝામ શેખ, પાટી ગામના ચિકાર ફળિયાનો હાલ રહે તેમના મામાંના ઘરે ખેરગામ હિલેન નીતિન પટેલ, ખેરગામ તાળ ફળિયા પુષ્પશાંતિ સ્કૂલની પાછળ રહેતો મયંક રતિલાલ પટેલ, અટગામ પાટાતળાવનો સાગર રામુ પટેલ સામે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ ઇન્ચાર્જ સીપીઆઈ પી.આર કરેણ બીલીમોરાએ હાથ ધરી હતી.