ગાંધીનગર : મહાભારત કાળથી ચાલી આવતી પંરપરા મુજબ ગઈ રાત્રે એટલે કે ગાંધીનગર નજીક રૂપાલ ગામે વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. જેમાં ભકત્તોનું ઘોડાપુર ઊમટી પડયુ હોય તેમ 12 લાખથી વધુ ભકત્તો પલ્લીમાં જોડાયા હતાં. એક તબક્કે રૂપાલ ગામના વડીલોના કહેવા મુજ તો 15 લાખ ભકત્તઓ આજે વહેલી પરોઢ સુધી પલ્લીના દર્શન કરીને પલ્લી પર ઘી ચઢાવ્યું હતું. માતાજીના ભકત્તો દ્વારા પલ્લી પર પાંચ લાખ કિલો ઘી ચઢાવવામાં આવ્યુ હતુ. જેની બજાર કિંમત 30 કરોડ થવા જાય છે.
આ ઘીના અભિષેકના કારણે રૂપાલ ગામમાં રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા બે વર્ષ દરમ્યન કોરોનાની મહામારીના કારણે રૂપાલ ગામમાં પલ્લી તો નીકળતી હતી, જો કે તેને ગામના વડીલો જ પૂજા કરીને વરદાયિની માતીજીના મંદિરે લઈ જતાં હતા. આ વખતે કોરોના ખતમ થઇ જતાં અમદાવાદ, ગાંધીનગર, અને ઉત્તર ગુજરાતમાંથી ભક્તો ઊમટી પડ્યાં હતાં.
રૂપાલ ગામે વરદાયિની માતાજીની પલ્લી નવમાં નોરતે વહેલી સવારે ચાર વાગ્યે નીકળે છે. જે ગામમાંથી નીકળે ત્યારે તેના પગ ઘીનો અભિષેક થાય છે, જયારે બાળકોને નમાડવા માટે પલ્લીની જયોત પાસે લવાય છે. ગામના મોટા માઢથી પલ્લીની પૂજા વિધી કરીને પલ્લી નીકળી હતી. રૂપાલ ગામના 27 જેટલા ચોરા – ચકલા પર પલ્લી ફરીને સવારે 7 વાગ્યે તેને વરદાયિની માતાજીના મંદિરે પ્રાંગણમાં લાવવામા આવી હતી, હજુયે શરદ પૂનમ સુધી આ પલ્લીમાં અખંડ જયોત ચાલુ રહેશે અને તેના પર ઘી પણ ચઢાવી શકાશે.
પલ્લી પર ઘી ચડાવવા માટે મંદિરના ટ્રસ્ટને મોટી માત્રામાં દાન પણ આવ્યુ છે. વરદાયિની માતાજીના મંદિરના પ્રાંગણમાં અર્જુન તથા દ્રોપદીનું પણ મંદિર આવેલુ છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ તાજેતરના સમયગાળા દરમ્યાન અડધો ડઝન વખત આ મંદિરે માતાજી આગળ માથુ ટેકવી ગયા છે. જયારે તાજેતરમાં જ વરદાયિની માતીજીના ગર્ભગૃહને સોનાનું બનાવી દેવાયુ છે.