નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં બુધવારના રોજ વિજયા દશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ સવારના સમયે ઠાકોરજીના સોનાના ધનુષબાણ, ઢાલ-તલવાર, ખંજર, તમંચો સહિતના શસ્ત્રો ગોમતી તળાવના કિનારે લઈ જવાયાં હતાં. જ્યાં વિધિવત પુજન કર્યાં બાદ શસ્ત્રો મંદિરમાં પરત લવાયાં હતાં. જે બાદ આ પુજા કરાયેલાં તમામ શસ્ત્રો ઠાકોરજીને ધારણ કરાવાયાં હતાં. જે બાદ સાંજના સમયે મંદિરમાંથી ઢોલ-નગારાં, વાંસળીના સુર તેમજ ભજનોની રમઝટ સાથે શ્રીજી ભગવાનની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
સોનાની પાલખી ઉપર નીકળેલી શ્રીજી ભગવાનની આ યાત્રા કંકુ દરવાજા, વડાબજાર, મંગલ સેવાધામ મંદિર થઈ મોટીબાગ પહોંચી હતી. જ્યાં સમીના વૃક્ષ નીચે શ્રીજી ભગવાનની રાખડી છોડવામાં આવી હતી. જે બાદ શોભાયાત્રા શ્રી લક્ષ્મીજી મંદિર થઈ પરત નિજમંદિર પહોંચી હતી. તે વખતે ઈંડીપિંડી (નજર ઉતારવાની વિધી) કર્યાં બાદ શ્રીજી ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં લઈ જવાયાં હતાં. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં.
શાહી ઠાઠ છિનવાયો હોવાથી ભક્તો નારાજ
શ્રી રણછોડરાયજી મંદિરમાં વર્ષ દરમિયાન ઉજવાતાં ઉત્સવો પૈકી આમલકી એકાદશી, રથયાત્રા અને દશેરાના દિવસે એમ માત્ર ત્રણ વખત જ શ્રીજી ભગવાનની ગજરાજ (હાથી) ઉપર શાહી સવારી નીકળે છે. આ પરંપરા છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલતી હતી. જોકે, સન 2020 માં કોરોનાની એન્ટ્રી બાદથી મંદિર મેનેજમેન્ટ દ્વારા આ ત્રણેય ઉત્સવો દરમિયાન ગજરાજને બદલે ઘોડા તેમજ પાલખી ઉપર શ્રીજીની સવારી શરૂ કરી છે. જેને પગલે પરંપરા તુટવાની સાથે શ્રીજી ભગવાનનો શાહી ઠાઠ પણ છિનવાયો હોવાથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.