સુરત: આજે દશેરાનાં તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્ર પૂજા કરી હતી. આ ઉપરાંત તેઓએ તમામ લોકોને દશેરાની શુભકામના પાઠવી હતી. શસ્ત્ર પૂજનનાં કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર અજય તોમર સહિત અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ વાર કોઈ ગૃહ મંત્રીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરી
દશેરો એટલે આસુરી શક્તિ પર દેવી શક્તિનાં વિજયનું પર્વ. આ દિવસે શસ્ત્ર પૂજનનું ખાસ મહત્વ છે. કહેવાઈ છે કે શસ્ત્ર પૂજનથી શત્રુઓ પર વિજયનું વરદાન મળે છે. જેથી આજે ખાસ શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. સુરત પોલીસે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યનાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજા કરી હતી. રાજ્ય ગૃહ મંત્રી બન્યા બાદ સુરતમાં સૌ પ્રથમ વાર કોઈ ગૃહ મંત્રી પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરી હતી. નવા આધુનિક શસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.
જે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે: ગૃહ રાજ્યમંત્રી
નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેડામાં અસામાજિક તત્ત્વો દ્વારા ચાલુ ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના માતરના ઊંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા આઠમના નોરતાની રાતે ગરબામાં પથ્થરમારો કરાતા વાતાવરણ ડહોળ્યુ હતું. ખેડા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી તમામની જાહેરમાં જ ધુલાઈ કરી હતી. આરોપીઓની જાહેરમાં જ ધુલાઈ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્ત્વોને ચેતવણી આપી છે. દશેરા નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત દેશનું સૌથી સલામત અને શાંતિપ્રિય રાજ્ય છે. જો કોઈ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. ડહોળવાનો પ્રયાસ કોઈ સમાજ દ્વારા નહીં પણ અસામાજિક તત્વો દ્વારા કરાયો હતો. આવા લોકો કોઈ સમાજના નથી હોતા. પણ આવી કોઈપણ ગુનાઈત પ્રવૃતિને સાંખી નહીં લેવાય.