Comments

નારીઓના અધિકારનું સીમાચિહ્‌ન

ભારતમાં ગર્ભપાતના કાયદાઓમાં રહેલો પરિણિત સ્ત્રી અને અપરિણિત સ્ત્રી વચ્ચેના ભેદભાવને સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે નાબૂદ કર્યો. આ સામે ગર્ભપાતના મર્યાદિત સંદર્ભમાં ભલે હોય પણ સુપ્રીમ કોર્ટે સૌ પ્રથમવાર લગ્નજીવનમાં બળાત્કારને વિધિવત માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ કાયદાના શબ્દો અને વ્યવહાર વચ્ચે જે વિરોધાભાસ હતો તે વ્યવસ્થિત કર્યો છે. અપરિણિત સ્ત્રીઓ પણ હવે પરિણિત સ્ત્રીઓની જેમ પોતાના 24 સપ્તાહ સુધીના ગર્ભને પડાવી શકશે અને તેપણ કાયદેસર રીતે.

1971માં સૌ પ્રથમવાર ઘડાયેલા અને 2021માન સુધારાયેલા ગર્ભપાતના કાયદા અન્વયે તમામ સ્ત્રીઓ તબીબી કારણસર 20 સપ્તાહના ગર્ભને પડાવી શકતી હતી પણ અપરિણિત સ્ત્રીઓ માનસિક સ્થિતિ, બળાત્કાર અને આરોગ્ય વગેરેના કારણસર 20 થી 24 અઠવાડિયા વચ્ચે અટવાતી હતી. સુપ્રીમ કોર્ટે હવે ઠરાવ્યું છે કે સ્ત્રીઓના શારીરિક સ્વાયત્તતા હક્કને બદલે જરીપુરાણા સામાજિક નૈતિકતાનો ધોરણોનો આપખુદ ભેદભાવ આ છે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટે નિરીક્ષણ કર્યું છે કે 2021ના સુધારામાં પતિને બદલે સાથીદાર, ભાગીદાર શબ્દ વપરાયો છે અને તેથી લગ્ન બહારના સંબંધથી થયેલા ગર્ભોધાનને રાખવાનો ધારાકીય રીતે કોઇ ઇરાદો નહતો. તેણે નોંધ્યું છે કે માત્ર પરિણિતાઓને જ ગર્ભપાતની છૂટ આપવાથી એવી ગેરસમજ થાય છે કે અપરિણિત સ્ત્રીઓનો ગર્ભપાત ગરેકાયદે છે. આને પરિણામે ઘણી સ્ત્રીઓને નોંધણી થયા વિનાના તબીબો પાસે જવાની ફરજ પડે છે. હવે આ ચુકાદો આ વલણને ઉલટાવે એવી આશા રાખએ. તેનાથી ખાસ કરીને સીમાંત સ્ત્રીઓને સુરક્ષિત તબીબી સેવા મળવાની સવલત વધે છે. આ ચુકાદાના ત્રણ પાસા આપણે સમજવા રહ્યા.

  1. આત્મીય સ્વજનની હિંસા અસ્તિત્વમાં છે એની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે અને કહ્યું છે કે પરિણિતા તેના પતિ દ્વારા બળાત્કાર કરવાથી સગર્ભા થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગર્ભપાતના નિયમોમાં જાતીય હુમલો અથવા બળાત્કાર શબ્દના અર્થમાં એજ પતિ દ્વારા તેની પત્ની પર કરાયેલા જાતીય હુમલા અથવા બળાત્કારનો સમાવેશ થાય છે. તેથી કોઇ પરિણિતા પર તેના જ પતિ દ્વારા જાતીય હુમલો થયો હોય છતાં તે 24 સપ્તાહ સુધીમાં ગર્ભપાત નહીં કરાવી શકે તે ગેરવાજબી છે. લગ્નજીવનમાં બળાત્કારને ગુનો ગણવામાં કાર્યવાહી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે તેથી આ સૂચક છે.
  2. ન્યાયાધીશોએ કહ્યું છે કે ‘સુત’ શબ્દની વ્યાખ્યામાં એનો પણ સમાવેશ થાય છે કે જેની જન્મ સમયે જૈવિક રીતે સ્ત્રી તરીકે ઓળખ થઇ ન હતી તેથી આ વ્યાખ્યામાં જાતીય પરિવર્તન કરાવનારનો પણ સમાવેશ થાય છે.
  3. સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે ગર્ભપાતના મામલાનો નિર્ણય કરતી વખતે જે તે સ્ત્રી પોતાની ગર્ભાવસ્થા ચાલુ રાખવાની સ્થિતિમાં છે કે નહીં તે બાબતમાં તેના પોતાના જ અંદાજ પર નોંધપાત્ર આધાર રાખવો જોઇએ. વિશ્વભરમાં જયારે ગર્ભપાતના અધિકાર પર હુમલા થાય છે ત્યારે સ્ત્રીઓ પર જ તેના શરીરનો અધિકાર પર ભાર મુકવો તે સીમાચિહ્‌નરૂપ પગલુ છે. સ્ત્રીઓના અધિકારના કર્મશીલો કહે છે કે હજી ઘણું કરવાનું બાકી છે, દરેક સ્ત્રીને પોતાના શરીર વિશે નિર્ણય કરવાની સલામતી લાગવી જ જોઇએ. અમેરિકા જેવા દેશની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના બંધારણીય અધિકારને અમાન્ય ઠેરવ્યો છે અને આવુબધું જોતા ભારતના ગર્ભપાત વિષયક કાયદા પ્રગતિશીલ રીતે આગળ વધી રહ્યા છે. ભારતમાં અપરિણિત અને એકલી સ્ત્રીઓ પોતાના શરીર પરના પોતાના અધિકારનો ઉપયોગ કરવામાં અનેક મુશ્કેલી ભોગવે છે, તેથી તેમને માટે જોખમ અને તબિયતની સમસ્યા વધારે હોય છે જયારે વણજોઇતી સગર્ભાવસ્થા આવી પડે ત્યારે ઘણી સ્ત્રીઓને ઊંટવૈદ્યનો આરો લેવાની ફરજ પડતી હોય છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે અસલામત ગર્ભપાત માતાઓના મૃત્યુનું મોટું કારણ છે. 25 વર્ષની એક અપરિણિત સ્ત્રીની 24મા અઠવાડિયા પહેલા ગર્ભપાત કરવા દેવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દેતા તેના મુકદ્દમામાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
    • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top