સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પોલીસ (Police) વિભાગ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો વચ્ચે ‘ઇકોનોમિક ઓફેન્સ’ વિષે ઇન્ટરેકટીવ મિટીંગનું (Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંબોધતા શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરતમાં (Surat) ખૂબ જ સહેલાઇથી વેપારીઓ અન્ય રાજ્યોના વેપારીઓને માલ આપી દેતા હોય છે. આ બાબતથી સારી રીતે વાકેફ ગુનેગારો સુરતના વેપારીઓ સાથે ચિટીંગ કરે છે. મુખ્યત્વે ચિટીંગ, ફ્રોડ અને વિશ્વાસઘાત આ ત્રણ પ્રકારના ઇકોનોમિક ઓફેન્સ સુરતમાં જોવા મળે છે. તેમણે ઉદ્યોગકારો તથા વેપારીઓને પોલીસની ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
ધંધાની શરૂઆત થાય ત્યારથી ગુનેગાર ચિટીંગ કરવાનું પ્લાનિંગ કરે છે. બીજી બાજુ વેપારીઓનો પહેલા વિશ્વાસ કેળવીને તેની પાસેથી ઉધારીમાં માલ ખરીદી કર્યા બાદ ગુનેગાર વિશ્વાસઘાત કરે છે. આ ત્રણેય કેસમાં ફરિયાદ લેવાની પોલીસની તૈયારી છે, પરંતુ વેપાર–ધંધામાં વિશ્વાસ બાબતે કાળજી લેવાની જરૂર છે. પેમેન્ટ આવશે કે નહીં તે બાબત પહેલાથી ધ્યાનમાં લેવાની જરૂર છે. આ મિટિંગમાં ચેમ્બરના ઉપપ્રમુખ રમેશ વઘાસિયા, સેક્રેટરી ભાવેશ ટેલર, શૈલેશ દેસાઈ, દિપક શેઠવાલા, માજી પ્રમુખો ભરત ગાંધી, બીએસ.અગ્રવાલ, અશોક શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.
આર્થિક ગુનાખોરી રોકવા માટે પોલીસ અને વેપારીઓ બંનેને મળીને પ્રયાસ કરવો પડશે
અજય તોમરે વધુમાં કહ્યું કે આર્થિક ગુનાખોરી રોકવા માટે પોલીસ અને વેપારીઓ બંનેને મળીને પ્રયાસ કરવો પડશે. એના માટે તેમણે ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપનો ઉપયોગ કરવા વેપારીઓને જણાવ્યું હતું. બીજી તરફ, લાખો રૂપિયાની લેનદેનમાં વેપારીઓ રૂપિયા કઢાવવા માટે પોલીસને અરજી કરે છે અને પછી જે દુષણ થાય છે તેને ડામવા માટે પોલીસ અધિકારીઓ પ્રયાસ કરી રહયા છે. તેમણે લેન્ડ ગ્રેબીંગના ગુનાઓ અટકાવવા માટે પણ વેપારીઓને સાવચેત રહેવા જણાવ્યું હતું. કોઇ વસ્તુ તમને મફતમાં મળે છે તો તેના માટે તમે પ્રોડકટ છો. એટલે સોશિયલ મિડિયાનો ઉપયોગ પણ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. આ બીજા કોઇની નહીં પણ તમારી પોલીસ છે. એટલે નીડર થઇને તમે પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી શકો છો. વેપારીઓ ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપનો ઉપયોગ વધુમાં વધુ ઉપયોગ કરી શકે તે હેતુથી આ એપની અવેરનેસ માટે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ તમામ ઔદ્યોગિક સંગઠનોને અભિયાન શરૂ કરવું જોઈએ.
કેટલાક વેપારીઓ ટકાવારીની લાલચમાં ઠગાઈનો ભોગ બને છે : અધિક પોલીસ કમિશનર
સુરતના અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક એન્ડ ક્રાઇમ) શરદ સિંઘલે જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ દ્વારા ટેકસટાઇલના વેપારીઓને મદદરૂપ થવા માટે ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપ્લીકેશન બનાવવામાં આવી છે. તેમણે પ્રેઝન્ટેશન સાથે ટેકસટાઇલ સુરક્ષા સેતુ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉદ્યોગકારો તથા વેપારીઓને પોલીસની ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. જેથી છેતરપિંડી કરતા ગુનેગારોથી વેપારીઓ બચી શકે. કેટલીક વખત વેપારીઓ બિઝનેસમાં ટકાવારીની લાલચમાં પડી જાય છે અને છેતરપિંડી કરનારાઓનો ભોગ બની જાય છે.
આર્થિક ગુનાખોરી પર અંકુશ માટે લા વેપારીઓએ સજાગ બનવું
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેરનો વિકાસ તેની ઔદ્યોગિક શાંતિ પર નિર્ભર હોય છે. ઉદ્યોગો એવા વિસ્તારોમાં જ ફૂલે–ફાલે છે જ્યાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઓછામાં ઓછા હોય. સુરતમાં ઔદ્યોગિક શાંતિ તેની ચરમસીમા ઉપર છે પણ તેનું કારણ છે પોલીસનો ગુનાખોરી પર અંકુશ. આથી આર્થિક ગુનાખોરી પર અંકુશ કઈ રીતે લાવી શકાય અને એના માટે ઉદ્યોગ – ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ શું કરવું જોઈએ ? તેની પોલીસ વિભાગ તરફથી માહિતી મેળવી સુરતને વધુ સુરક્ષિત અને સલામત કઈ રીતે બનાવી શકાય તે દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરીશું.