Sports

નેશનલ ગેમ્સ : પુરુષોની 35 કિમી વોકમાં રામ બાબુએ નેશનલ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો

ગાંધીનગર : અહીં નેશનલ ગેમ્સમાં (National Games) એથ્લેટિક્સ સ્પર્ધાના અંતિમ દિવસે મંગળવારે ઉત્તર પ્રદેશના (UP) રામ બાબુએ પુરુષોની 35 કિમી વોકમાં નેશનલ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. શારીરિક શિક્ષણમાં સ્નાતક પણ બેરોજગાર રામ બાબુએ બે કલાક 36 મિનિટ અને 34 સેકન્ડના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો. તેણે હરિયાણાના જુનૈદ ખાનના બે કલાક 40 મિનિટ અને 16 સેકન્ડના નેશનલ રેકોર્ડને તોડ્યો હતો. જુનૈદ મંગળવારે બે કલાક 40 મિનિટ અને 51 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહ્યો હતો.

તમિલનાડુની રોઝી મીના પોલરાજ અને સૈન્યના શિવા સુબ્રમણ્યમે અનુક્રમે મહિલા અને પુરુષોની પોલ વૉલ્ટ ઈવેન્ટ્સમાં નેશનલ રેકોર્ડ બનાવ્યા હતા. ટ્રેક એન્ડ ફિલ્ડમાં મંગળવારે ત્રણ અને કુલ પાંચ નેશનલ રેકોર્ડ બન્યા હતા. અન્ય બે નેશનલ રેકોર્ડ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં બન્યા હતા. ટાઇટલ જીત્યા બાદ બાબુએ કહ્યું હતું કે હું આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આવા પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માટે સખત મહેનત કરતો રહીશ. વેઇટલિફ્ટિંગમાં, ઉત્તર પ્રદેશની પૂર્ણિમા પાંડેએ પીઠના તાણ છતાં મહિલાઓની 87 કિગ્રાથી વધુની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં છઠ્ઠા સ્થાને રહેલી પૂર્ણિમાએ સ્નેચમાં 95 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 120 કિગ્રા સાથે કુલ 215 કિગ્રા વજન ઉપાડ્યું હતું.

મહારાષ્ટ્રની પુરૂષ અને મહિલા ટીમે ખોખોમાં ગોલ્ડ મેડલ જીત્યો
વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રિધમિક જિમ્નેસ્ટિક્સમાં મહારાષ્ટ્રની રિચા ચોરડિયા અને સંયુક્તા કાલે ટોચ પર રહી હતી. થાણેની સંયુક્તાએ 26.05 પોઈન્ટ્સ સાથે હૂપ ઈવેન્ટ્સમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું જ્યારે રિચાએ 25.30 પોઈન્ટ્સ સાથે બોલ સાથે વધુ સારું પ્રદર્શન કર્યું હતું. મહારાષ્ટ્રે ખો-ખોમાં બેવડી ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. મહારાષ્ટ્રના પુરુષોએ કેરળને 30-26થી હરાવ્યું. મહિલા ટીમે અગાઉ ઓડિશાને 18-16થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ગુજરાતની સ્વીમર માના પટેલે 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો
રાજકોટમાં, ગુજરાતની સ્વિમર માના પટેલે છેલ્લા બે દિવસથી રિલેમાં સ્વિમિંગ કર્યા બાદ વ્યક્તિગત ઈવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણીએ 200 મીટર બેકસ્ટ્રોક (2 મિનિટ અને 24.05 સે) અને 50 મીટર ફ્રીસ્ટાઈલ બંનેમાં શરૂઆતના રાઉન્ડ માં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે મહિલાઓની 200 મીટર બેકસ્ટ્રોક કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. માના પટેલે ફ્રી સ્ટાઇલ સ્પ્રિન્ટમાં નેશનલ ગેમ્સનો રેકોર્ડ તોડ્યો હતો. તેણીએ 2015માં અદિતિ ધૂમતકરના 26.90 સેકન્ડના પ્રદર્શનમાં 26.60 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે સુધારો કર્યો હતો.

બેડમિન્ટન ઇવેન્ટમાં માલવિકા બંસોડે ઉન્નતિ હુડાને હરાવી
સુરતમાં બેડમિન્ટન ઈવેન્ટ્સમાં ટોચની ક્રમાંકિત માલવિકા બંસોડ (મહારાષ્ટ્ર) એ મહિલા સિંગલ્સ ઈવેન્ટના પ્રથમ રાઉન્ડમાં ઉન્નતિ હુડા (હરિયાણા)ને 22-20, 21-13થી હરાવી હતી. તેમની પ્રથમ રાઉન્ડની મેચો જીત્યા પછી, બીજા ક્રમાંકિત અક્ષર્શી કશ્યપ (છત્તીસગઢ) અને સ્થાનિક ખેલાડી તસ્નીમ મીર ક્વાર્ટર ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે.

Most Popular

To Top