સુરત: હવે સુરતીઓએ (Surties) વધુ રાહ જોવી પડશે નહીં. સુરતમાં MMTH તરીકે ઓળખાનારા નવા વર્લ્ડ ક્લાસ (World class) રેલવે સ્ટેશનને (Railway station) બનાવવાની કામગીરી હવેથી ઝડપી બનશે. કેન્દ્ર સરકારે આ નવા રેલવે સ્ટેશન માટેના પ્રથમ ફેઝની કામગીરી માટેના રૂપિયા 877.80 કરોડના ટેન્ડરને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય તેમજ સુરત મહાપાલિકા દ્વારા સંયુક્ત રીતે આ નવા રેલવે સ્ટેશનને તૈયાર કરવામાં આવશે. આ રેલવે સ્ટેશન એવું હશે કે તેમાં રેલવેની સાથે એસટી, મેટ્રો તેમજ સ્થાનિક બસ સર્વિસની સાથે સાથે કારની સુવિધાને પણ સાંકળી લેવામાં આવશે. આ રેલવે સ્ટેશન તૈયાર થતાં સુરતના આશરે 5 લાખ જેટલા યાત્રીઓ તેમજ સુરતની 70 લાખની વસતીને સીધો ફાયદો થશે.
રાજ્ય સરકારો તેમજ સુરત મનપાની સાથે અન્ય વિભાગોનો સમાવેશ
પહેલા આ રેલવે સ્ટેશન પીપીપી મોડેલને આધારે થનાર હતું પરંતુ તેના માટે એટલા ટેન્ડરો નહી આવતા આ રેલવે સ્ટેશનને સરકારી નાણાં જ એટલે કે ઈપીસી મોડલથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રેલવે સ્ટેશન ચાર જ વર્ષમાં તૈયાર કરી દેવાશે. અગાઉ આ નવા વર્લ્ડ ક્લાસના રેલવે સ્ટેશનને બનાવવા માટે સરકાર દ્વારા એસપીવી બનાવવામાં આવી હતી. જેમાં કેન્દ્ર, રાજ્ય સરકારો તેમજ સુરત મનપાની સાથે અન્ય વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એસપીવીમાં કેન્દ્ર સરકારનો 63 ટકા, રાજ્ય સરકારનો 37 ટકા હિસ્સો છે. જેમાં એસટી નિગમનો 34 ટકા તેમજ સુરત મહાપાલિકાનો 3 ટકા શેર નક્કી કરવામાં આવ્યો છે.
સુરતના નવા રેલવે સ્ટેશન માટે કયા તબક્કામાં કઈ કામગીરી કરાશે
આ રેલવે સ્ટેશન કુલ 3 તબક્કામાં તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં રેલવે સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેશન તેમજ બીઆરટીએસની એકબીજાને સાંકળતી સુવિધા ઊભી કરાશે. જ્યારે બીજા ફેઝમાં બસ સ્ટેશનની ઉપર કોમર્શિયલ એરીયા ઊભો કરાશે. જ્યારે ત્રીજા તબક્કામાં બસ સ્ટેશનને રેલવે સ્ટેશન સાથેના અન્ય પ્લેટફોર્મ સાથે વિસ્તૃતીકરણ, રિંગરોડ પર ગુડ્ઝ શેડ બનાવવાની સાથે રેલવે કોલોનીનું સ્થળાંતર પણ કરાશે. પ્રથમ તબક્કા માટે રૂપિયા 980 કરોડ, બીજા તબક્કા માટે 500 કરોડ તેમજ ત્રીજા તબક્કા માટે રૂપિયા 300 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. હાલમાં પ્રથમ તબક્કા માટેના ટેન્ડરને જ બહાલી આપવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં કોના ભાગે કેટલો ખર્ચ આવશે
પ્રથમ તબક્કા માટે રૂપિયા 877 કરોડના ટેન્ડરને બહાલી આપવામાં આવી હોવાથી હવે આ કામગીરી માટે કુલ રૂપિયા 980 કરોડમાંથી કેન્દ્ર સરકારે 682.87 કરોડ, રાજ્ય સરકારે 297.23 કરોડના ખર્ચનો હિસ્સો રહેશે. જેમાં સુરત મહાપાલિકાના 1.44 કરોડના હિસ્સાનો પણ સમાવેશ થાય છે.