ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા (Digital India) અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજે નવી દિલ્હી ખાતે ભારતમાં 5G ટેક્નોલોજીનો (5G Technology) પ્રારંભ કર્યો હતો. જેમાં દેશના 13 શહેરો પૈકી પ્રથમ ચરણમાં ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર તથા જામનગરમા 5G સેવાનો આરંભ થયો છે.સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીએ નવી દિલ્હીથી 5-G સેવાઓના કરેલા લોંન્ચિગ અને ઇન્ડીયન મોબાઇલ કોંગ્રેસના ૬ ઠ્ઠા સંસ્કરણના પ્રારંભ અવસરમાં અમદાવાદ જિલ્લાના રોપડા ગામથી સમારંભમાં જોડાયા હતા. વડાપ્રધાન મોદીના સંદેશનું નવી દિલ્હીથી જીવંત પ્રસારણ તથા શાળાના બાળકો સાથે વર્ચ્યુઅલ સંવાદનો કાર્યક્રમ દેશના અન્ય રાજ્યો સાથે ગુજરાતમાં પણ યોજાયો હતો.
મોદીના સંદેશનું નવી દિલ્હીથી જીવંત પ્રસારણ
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ભારતમાં ડિજિટલ ક્રાંતિનો એક નવો અધ્યાય આજથી શરૂ થયો છે. 5Gની મદદથી ઔદ્યોગિક ક્ષેત્ર સહિત શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય જેવા અનેક ક્ષેત્રોમાં ઘણા કામ હવે ઝડપી અને વધુ સરળ થઇ જશે. એટલું જ નહીં, 5G ટેકનોલોજી આવવાથી માનવ જીવનના દરેક ક્ષેત્રે મોટાં પરિવર્તનો આવશે, આ ટેકનોલોજી ઉદ્યોગોમાં ઓટોમેશન વધારવા માટેનો માર્ગ મોકળો કરી આપશે. 5G ટેક્નોલોજીના હાઇ પર્ફોર્મન્સ અને હાઇ સ્પીડને કારણે નવા ઉદ્યોગો પણ ખીલશે. રોજગાર અને તાલીમના નવા ક્ષેત્રો ઉભરવાની સાથે વિકાસના નવા દ્વાર પણ ખુલશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમારંભમાં રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.