આપણા વડીલો કહે છે કે ‘ગાંડાને માથે શિંગડાં ન ઊગે’. અગાઉ તો આ જ્ઞાન વડીલો એમના અનુભવને આધારે આપણને આપતા હતા પણ હવે તો પ્રેમમાં જે ગાંડાં થયા છે એ પણ ખુદ આ વાત સ્વીકાર કરતાં કહે છે કે હા,ખરેખર અમારા જેવા ઈશ્કીઓને માથે શિંગડાં નથી ઊગતાં.(આમ એ ઈશ્કી ગાંડાંઓને એટલું તો ડહાપણ આવ્યું !) ખેર, શિંગડાં ઊગે કે ન ઊગે, પરંતુ અમુક આશિકોએ કરેલી મૂર્ખામીની જે બે ઘટના તાજેતરમાં બની ગઈ એ જાણવા જેવી છે.
ગર્લફ્રેન્ડ બધાને ન પોષાય. એમાંય કોઈ લબરમૂછિયો હજુ કમાતો-ધમાતો માંડ માંડ થયો હોય એને તો ગર્લફ્રેન્ડના નખરાં-શોખ કે એની પાછળના ખર્ચા બહુ મોંઘા પડે. કોઈ પોતાની ફ્રેન્ડ પર છાકો પાડવા મોંઘા મોબાઈલ ઉધારી કરીને ગિફ્ટ આપે તો કોઈ ચોરી કરે. અરે, કેટલાક તો પોતાની લવરને ઈમ્પ્રેસ કરવા બાઈક પણ તફડાવી લાવે ને પછી ઝડપાય ત્યારે આવા બધા ઈશ્કી દેખાડાનું બાષ્પિભવન થઈ જાય…
આવો એક તાજો કિસ્સો જાણવા જેવો છે. મુંબઈ પરાની બૅન્કનું ‘ATM’ને તોડીને એક મોડી રાતે એમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ થયો હોય તેમ બીજી સવારે જણાતા બેંકે પોલીસને જાણ કરી. બે-ત્રણ જાતનાં તીક્ષ્ણ હથિયારથી એ મશીનની ભાંગફોડ – તોડફોડ કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ લૂટારું એમાં સફળ નહાતો થયો કારણ કે ‘ATM’માંથી કોઈ રોકડ ગુમ નહોતી થઈ. ‘ATM’ની કેબિનના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જેમાં શોર્ટસ-ટીશર્ટમાં સજ્જ એક માસ્કધારી યુવાન દેખાયો પણ એ ઓળખ પૂરતી ન હતી. પોલીસે આસપાસ વિસ્તારના 100થી વધુ TV ફૂટેજ ચેક કર્યા તો આવા જ ડ્રેસમાં એક યુવાન બૅન્કની આસપાસ લટાર મારતો નજરે ચઢ્યો, જેણે માસ્ક નહોતો પહેર્યો એથી એની ઓળખ પાકી થતાં પોલીસે એને આંતર્યો. આકરી ઊલટતપાસમાં યુવાને કબૂલી લીધું કે ‘ATM’ લૂંટવાનો પ્રયાસ એણે જ કરેલો. યુવાન સારા ઘરનો લાગતો હતો તો પછી આવી લૂંટનો પ્રયાસ કેમ?
યુવાનનો જવાબ ચોંકાવનારો હતો કે એની ગર્લફ્રેન્ડના ખર્ચા રાત-દિવસ વધી રહ્યા હતા એને પૂરા કરવા એણે ‘UTUBE’ પર આ પ્રકારની લૂંટના વીડિયો જોયા પછી ‘ATM’ લૂંટના પ્લાન દ્વારા મોટો હાથ મારવાનો પ્રયાસ તો કર્યો, પણ એમાં પોતે ઝડપાઈ ગયો ! આ યુવાન તો પ્રેમનો માર્યો આડે રસ્તે ચઢવા ગયો એમાં ફસાઈ ગયો. હવે એથી વિરુદ્ધની આ ઘટના જાણો…
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ઉપરાઉપરી બે અનામી કોલ આવ્યા કે મુંબઈની ઝવેરી બજાર અને મહારાષ્ટ્રના બીડ શહેરમાં બે શક્તિશાળી ટાઈમ બૉમ્બ રાખવામાં આવ્યા છે …તરત જ પોલીસની બૉમ્બ સ્કવૉડ બન્ને સ્થળે ધસી ગઈ. કંઈ ન મળતા જ્યાંથી ફોન આવ્યા હતા એ અજાણ્યા નંબરની શોધ ચાલી અને મુંબઈની ચબરાક પોલીસે આવા અનામી -ખોટા ફોન કરનારા એક યુવાનને શોધી કાઢ્યો.
‘આવા ભયપ્રેરક ફોન કરવાનું કારણ શું ?’ યુવાને જે જવાબ આપ્યો એ સાંભળીને પોલીસ ચકરાઈ ગઈ. એ કહે: ‘મારી ગર્લફ્રેન્ડ સાથે હમણાં બ્રેકઅપ થઈ ગયું છે. એ પ્રેમસંબંધ તૂટતાં હું બહુ હતાશ થઈ ગયો… એને દૂર કરવા અને લાઈફમાં ફરી ઉત્તેજના જગાડવા આ રસ્તો અજમાવ્યો અને આવા ફોન મળે તો પોલીસ શું કરે એ જાણવાની પણ મને જિજ્ઞાસા હતી એટલે ખોટા ફોન કરીને પોલીસને દોડાવી…!’ બોલો, હવે આવા મૂરખ આશિકોને માથે શિંગડાં ઊગે કે ન ઊગે એનાથી કોને શું ફરક પડે છે?!
ભણો, અપરાધીઓની આ પાઠશાળામાં!
આપણા ઝારખંડ રાજયના બે નામ બહુ જાણીતા છે.એક નામ બહુ વખણાય છે અને એ છે વિખ્યાત ક્રિકેટવીર એમ.એસ. ધોની …જ્યારે બીજું નામ બડું બદનામ છે અને એ છે જામતારા શહેર… આ શહેર ખાસ્સું વખોડાયેલું છે ત્યાંના સાયબર ક્રાઈમ્સને લીધે. દેશમાં જે પણ ઓનલાઈન અપરાધ થાય છે એમાંના મોટાભાગના આ શહેર અને એની આસપાસનાં જંગલ વિસ્તારોમાંથી થાય છે. ક્રેડિટ-ડેબિટ કાર્ડસમાં ઘાલમેલ કરી પૈસાની ઉચાપત કરતાં આ જામતારાના સાયબર ગુનેગારો અને પારકાના બેંક ખાતામાં ગાબડું પાડી રકમની ઊઠાંતરી કરતાં હેકર્સ બડા ચાલાક છે. એ એવા બદનામ પણ છે કે એમનાં કરતૂતો પરથી બનેલી બે TV સીરિયલ પણ જબરી હીટ પુરવાર થઈ છે. આવા કુખ્યાત જામતારા(કેટલાક એને ‘જામતાડા’ તરીકે પણ ઓળખાવે છે)ના અસલી અપરાધીઓએ હવે પોતાના ધંધા-વ્યવસાયના વધુ વિકાસ અર્થે (ને બીજાના નુકસાન અર્થે !) આજના ડિજીટલ યુગમાં નવા નિશાળિયાને ચોક્કસ ચાર્જ લઈને તાલીમ આપવા ઓનલાઇન કલાસ પણ શરૂ કર્યા છે ! બેંકનાં ડેબિટ-ક્રેડિટ કાર્ડના CVV-(ગુપ્તનંબર) કઈ રીતે જાણવાથી લઈને સેલફોનના બનાવટી સીમ કાર્ડ બનાવવા અને કોઈને બ્લેકમેલ કરવાના સેકસ વીડિયો કઈ રીતે તૈયાર કરવા સુધીના સાયબર ક્રાઈમના બધા જ ‘હુન્નર’ની વ્યવસ્થિત તાલીમ અનેકવિધ સાયબર સાઈટસ પરથી ઓનલાઈન આપવામાં આવે છે…! હા, કોઈ નવોદિતને આવી કોઈ લૂંટ કરવી હોય તો આવા અનુભવી એના સક્રિય સલાહકાર પણ બને અને લૂંટના દલ્લામાંથી 25% પોતાનું કમિશન પણ લે..! કોણ કહે છે ક્રાઈમ-કાંડના ધંધામાં – માર્કેટમાં મંદી છે?!
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
લોટરી ખરીદીને એમાં વિજેતા થવું એવી દરેકની મહેચ્છા હોય છે તો કેટલાંક્ને એનું એવું ગાંડપણ પણ વળગે કે લોટરી ખરીદી ખરીદીને પૈસેટકે બરબાદ પણ થઈ જાય. અમેરિકાના એલેકઝાન્ડ્રિયા સિટીમાં રહેતા અલિ ઘેમીને ય આવી લોટરીની લત. નસીબ સાથ નહોતું દેતું એટલે છેલ્લે કંટાળીને એણે અંતિમ વાર લોટરી ખરીદવાનો નિર્ણય કર્યો. એનો બર્થ-ડે 25 સપ્ટેમ્બરે હતો માટે 25 અને 9 આંકને ધ્યાનમાં રાખીને એણે 5 હજાર ડોલરના ઈનામ ધરાવતી એ આંકની આસપાસના નંબરવાળી 200 ટિકિટ ખરીદી. લોટરીનું પરિણામ હમણાં જાહેર થયું તો આપણા આ અલિ બિરાદરની બધી જ ટિકિટો વિજેતા ઠરતાં એને મળ્યા કુલ 10 લાખ ડોલર!
બુદ્ધિશાળી મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેનું મગજ આયુ વધતાં સંકોચાય છે….