ગાંધીનગર: ઓલિમ્પિક્સ (Olympics) સિલ્વર મેડલિસ્ટ (Silver medalist) મીરાબાઈ ચાનુએ શુક્રવારે અહીં 36મી નેશનલ ગેમ્સમાં (36 National Games) મહિલા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટની 49 કિગ્રાની કેટેગરીમાં 191 કિગ્રા વજન ઉઠાવીને અપેક્ષિત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓગસ્ટમાં બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મીરાબાઈએ સ્નેચમાં 84 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 107 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. સંજીતા ચાનુએ સ્નેચમાં 82 કિગ્રા, ક્લીન એન્ડ જર્કમાં 105 કિગ્રા સાથે કુલ 187 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. ઓડિશાની સ્નેહા સોરેને સ્નેચમાં 73 કિગ્રા, ક્લીન એન્ડ જર્કમાં 96 કિગ્રા સાથે કુલ 169 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મીરાબાઈ, જે તેણીની બીજી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ રહી છે, તેણે ખુલાસો કર્યો કે તેણીને ડાબા કાંડામાં ઈજા છે તેથી તેણીએ બંને શ્રેણીઓમાં તેણીના ત્રીજા પ્રયાસમાં પ્રવેશ કર્યો ન હતો. મીરાબાઈએ કહ્યું હતું કે તાજેતરમાં એનઆઇએસ પટિયાલામાં તાલીમ દરમિયાન, મારા ડાબા કાંડામાં ઈજા થઇહતી, જેના પછી મેં વધુ જોખમ ન લેવાની ખાતરી કરી. વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ ડિસેમ્બરમાં યોજાવાની છે. તેણે કહ્યું હતું કે રાષ્ટ્રીય રમતોમાં મણિપુરનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની ક્ષણ છે અને જ્યારે મને ઓપનિંગ સેરેમનીમાં ટીમનું નેતૃત્વ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે ઉત્સાહ બમણો થઈ ગયો.
નેશનલ ગેમ્સમાં ગુજરાતની ઇલાવેનિલ વલારિવને શૂટીંગમાં ગોલ્ડ જીત્યો
ગાંધીનગર : ગુજરાતની શૂટર ઇલાવેનિલ વલારિવને આજે શુક્રવારે અહીં નેશનલ ગેમ્સ શૂટીંગમાં ગોલ્ડ પર નિશાન સાધીને યજમાન ગુજરાતને આ ગેમ્સમાં ચોથો ગોલ્ડ જીતાડ્યો હતો. આ ઉપરાંત ઓલિમ્પિયન ફેન્સર ભવાની દેવી અને રેસલર દિવ્યા કાકરને પોતપોતાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ તરફ ગાંધીનગર આઇઆઇટીના એથ્લેટિક્સ એરેનામાં દિવસ એક્શન પેક્ડ રહ્યો હતો અને તેમાં ઓછામાં ઓછા 9 નેશનલ ગેમ્સ રેકોર્ડ તૂટ્યા હતા.
ઉત્તરપ્રદેશના એક બાંધકામ મજૂરની પુત્રી મુનીતા પ્રજાપતી અને સર્વિસિસના 17 વર્ષિય પરવેઝ ખાન આજના દિવસના સ્ટાર રહ્યા હતા. મુનિતાએ મહિલાઓની 20 કિમી પગપાળા ચાલમાં 1 કલાક, 38 મિનીટ અને 20 સેકન્ડનો સમય લઇને નવો નેશનલ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે પરવેઝે 1500 મીટરમાં બહાદુર પ્રસાદના 28 વર્ષ જૂના ગેમ્સ રેકોર્ડને માત્ર બે મીલી સેકન્ડમાં તોડીને 3 : 40.89 મિનીટનો સમય લઇને ગોલ્ડ જીત્યો હતો. એશિયન ગેમ્સની ડેકાથ્લોન ચેમ્પિયન મધ્યપ્રદેશની સ્વપ્ના બર્મને હાઇ જમ્પમાં 1.83 મીટરનો જમ્પ લગાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. જ્યારે તમિલનાડુના પ્રવીણ ચિત્રવેલે ટ્રિપલ જમ્પમાં 16.68 મીટરનો જમ્પ લગાવીને નવો રેકોર્ડ બનાવી ગોલ્ડ જીત્યો હતો.