નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટેની ચૂંટણીને લઈને સ્થિતિ હવે સ્પષ્ટ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, સાંસદ શશિ થરૂર અને ઝારખંડ કોંગ્રેસના નેતા કેએન ત્રિપાઠીએ પાર્ટીના વડા માટે ઉમેદવારી નોંધાવી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ટોચના પદ માટે ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના છે. થરૂરે આજે બપોરે AICC ઓફિસમાં પોતાનું નામાંકન ભર્યું હતું. દરમિયાન મલ્લિકાઅર્જુન ખડગેના નોમિનેશન માટે કોંગ્રેસ પ્રમુખ પદના મુખ્ય દાવેદાર ગણાતા અશોક ગેહલોત અને દિગ્વિજય સિંહ પણ પહોંચ્યા હતા. બંને નેતાઓએ ખડગેને સપોર્ટ કર્યો હતો. જણાવી દઈએ કે આ અગાઉ દિગ્વિજય સિંહ (Digvijay Sinh) અને અશોક ગેહલોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી.
પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ (MallikaArjun Khadge) કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમને દિગ્વિજય સિંહ, પ્રમોદ તિવારી, મનીષ તિવારી, આનંદ શર્મા, અશોક ગેહલોત, પીએલ પુનિયા જેવા મોટા નેતાઓએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં ધીમે ધીમે ઘણા મોટા નેતાઓ આવી રહ્યા છે. હવે વરિષ્ઠ નેતા મનીષ તિવારી અને આનંદ શર્માએ પણ તેમને સમર્થન આપ્યું છે. બંને કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી ગયા છે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ પાર્ટીના નેતા શશિ થરૂરે (Shashi Tharur) પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે, મારી પાસે કોંગ્રેસ માટે એક વિઝન છે જે હું તમામ પ્રતિનિધિઓને મોકલીશ, અમે તેમનો ટેકો લેવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, હું પાર્ટી કાર્યકર્તાઓનો અવાજ બનવા આવ્યો છું. દરમિયાન નોમિનેશન પહેલા સચિન પાયલટને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચેલા પાયલોટ સમર્થકો આની માંગ કરી રહ્યા છે.
અશોક ગેહલોત (Ashok Gehlot) રેસમાંથી બહાર થયા પછી પાર્ટીના મંથન સત્ર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ સામે આવ્યું હતું. સોનિયા ગાંધીને મળ્યા બાદ નૈતિક જવાબદારી લેતા સીએમ ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષ માટે દિગ્વિજય સિંહથી લઈને મુકુલ વાસનિક અને કુમારી સેલજા સુધીના ઘણા નામો સામે આવ્યા હતા.
દિગ્વિજય સિંહ ભારત જોડો યાત્રા છોડીને કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા દિલ્હી આવ્યા હતા. ચૂંટણી લડવા માટે તેમણે ઉમેદવારી પત્ર પણ લીધું હતું અને ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મધ્યપ્રદેશમાં તેમની નજીકના નેતાઓની યાદી પણ સામે આવી હતી, જેઓ નોમિનેશન માટે તેમના પ્રસ્તાવક બનવા તૈયાર હતા. આવી સ્થિતિમાં, શું કારણ હતું કે દિગ્વિજય સિંહ ખડગે સામે ચૂંટણી લડવાથી હટી ગયા તે હજુ બહાર આવ્યું નથી.