આણંદ : ખંભાત તાલુકાના સાયમા ગામે એક સપ્તાહ પહેલા આધેડના મોતને લઇ ભારે હોબાળો મચ્યો હતો. જેની તપાસ દરમિયાન તેના પુત્રએ જ ભાંડો ફોડ્યો હતો અને માતાએ દંડા મારી પિતાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. સાયમા ગામે રહેતા સોમાભાઈ મગનભાઈ ચૌહાણનું 21મી સપ્ટેમ્બર,22ના રોજ મૃત્યું નિપજ્યું હતું. આ મોતને લઇ ભારે ઉહાપોહ થયો હતો. જેના પગલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. સોમાભાઈની પ્રથમ પત્નીનું 22 વર્ષ પહેલા અવસાન થયું હતું. જેની પુત્રી રમીલાબહેન હાલ સાસરે છે. જ્યારે તેઓએ બીજા લગ્ન રેખાબહેન સાથે થયાં હતાં. જેમાં તેમને બે પુત્ર કરણ અને અર્જુનનો જન્મ થયો છે. 21મીના રોજ સોમાભાઈના મૃત્યું બાદ જરૂરી વિધિ પતાવી રમીલાબહેન મૃત્યુંનું કારણ જાણવા તપાસ કરી હતી. જેમાં પુત્ર કરણને સમજાવીને પુછતા તેણે જણાવ્યું હતું કે, 20મી સપ્ટેમ્બર,22ની રાત્રિના દસેક વાગે પપ્પા અને મમ્મી વચ્ચે ઝઘડો થયો હતો. જેથી મમ્મી (રેખાબહેન)એ લાકડાના દંડા વડે માર મારતા હતા. આ સમયે હું હાજર હતો.
જેથી મમ્મીએ રૂમમાંથી બહાર જતા રહેવા જણાવ્યું હતું. હું બહાર જઇ સુઇ ગયો હતો અને સવારમાં મમ્મીએ જણાવ્યું હતું કે, પપ્પાનું મૃત્યું થયુ છે. રાત્રે મેં તારા પપ્પાને માર મારેલો હતો, તે વાત કોઇને કહેતો નહીં નહીં તો તને પણ માર મારીશ. જેથી બીકના માર્યા આ વાત કોઇને કહી નહતી. પપ્પા રેલવેના ગરનાળા તરફ ગયા નથી. તેઓ ઘરે જ હતાં. તેવી હકિકત કરણે જાહેર કરી હતી. આથી, રમીલાબહેન ગણપતભાઈ ચૌહાણની ફરિયાદ આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે રેખાબહેન સોમાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધ્યો હતો.