પેટલાદ: કેન્દ્ર સરકાર દ્વારા ઘર વિહોણાને પોતાનું ઘર આપવાના અભિગમ સાથે વર્ષ 2017માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરૂ કરવામાં આવી હતી. જે યોજનાની અમલવારી અને લાભ પેટલાદ શહેરના લોકોને પણ આપવાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થીને છ તબક્કા દ્ધારા સાડા ત્રણ લાખની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યારસુધીમાં પેટલાદ ખાતે અંદાજીત રૂ.27 કરોડના 772 આવાસ મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી 354 આવાસ પૂર્ણ થઈ ગયા છે. જેમાંથી કેટલાક આવાસનું ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહ પ્રવેશ શુક્રવારે વડાપ્રધાનના હસ્તે અંબાજી ખાતે કરવામાં આવશે. જોકે, પેટલાદ ખાતે ચાર વર્ષમાં પ્રધાનમંત્રી આવાસમાં માત્ર 46 ટકા જ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017માં વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) અમલી બનાવી હતી. જેમાં ઘરવિહોણા લોકોને યોજનાનો લાભ આપવાનો મુખ્ય હેતુ હતો. સમગ્ર દેશમાં જે કોઈ પાસે પોતાનું મકાન કે જમીન ન હોય તેવા લોકોને 30 ચો.મી.નું મકાન બનાવવા સાડા ત્રણ લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. જે માટે જરૂરી ફોર્મ ભરી સાથે દસ્તાવેજી પુરાવા, મામલતદાર પાસેથી મેળવેલ આવકનો દાખલો, બાંહેધરી પત્ર વગેરે નગરપાલિકા દ્વારા જે તે એજન્સીને આપવાના હોય છે.
આ ઉપરાંત જો કોઈ પાસે મકાન હોય અને રિપેરીંગ કરાવવા માંગતા હોય તો પણ લાભાર્થીને પણ સાડા ત્રણ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત પેટલાદ શહેર ખાતે વર્ષ 2018થી 2022 દરમ્યાન 772 આવાસની ફાળવણી થઈ છે. આ આવાસની સહાય મંજૂર થયા બાદ સરકાર દ્વારા પાંચ તબક્કામાં હપ્તાની રકમ ચૂકવાય છે. પ્રથમ હપ્તો 30 હજારનો ફુટીંગ લેવલે, બીજો હપ્તો રૂ.45 હજારનો લિન્ટલ લેવલે, ત્રીજો હપ્તો રૂ.50 હજાર, ચોથો હપ્તો રૂ.એક લાખનો સ્લેબ વખતે, પાંચમો હપ્તો રૂ.70 હજારનો ફિનીસિંગ લેવલે અને અંતિમ હપ્તો કમ્પ્લીશન વખતે રૂ.50 હજાર મળવાપાત્ર રહે છે. પેટલાદ ખાતે આ યોજના હેઠળ એક હજારથી વધુ લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે.
જેમાંથી 772 આવાસ મંજૂર થયા છે. જે પૈકી 354 આવાસ પૂર્ણ થઈ જતાં 46 ટકા કામગીરી સંપન્ન થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવાસ ફાળવણી, બાંધકામ, હપ્તાની ચૂકવણી માટે થતી કાર્યવાહી વગેરેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. કેટલાય લાભાર્થીઓ પોતાના આવાસ પૂર્ણ કરાવવા પાલિકાના ધક્કા ખાતા હોવા છતાં કાગળોની પૂર્તતા થતી નથી. છેલ્લા ચાર વર્ષ દરમ્યાન પાલિકાના કેટલાક કાઉન્સિલરો, કર્મચારીઓ અને રાજકીય આગેવાનોએ વેપલો જ કરી દિધો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેને કારણે જ આવાસનું કામ માત્ર 46 ટકા પૂર્ણ થયું છે.