ઐશ્વર્યા રાય – બચ્ચન હજુ પણ બ્યુટીફૂલ છે એવું હિન્દી ફિલ્મવાળા નથી માનતા પણ મણી રત્નમ માને છે. ઐશ્વર્યાની વેલ્યુ સમજવા માટે ફિલ્મમેકર પાસે એવો વિષય પણ હોવો જોઇએ. મણી રત્નમ ઐશ્વર્યાને કિવન બનાવી શકે છે. હિન્દીવાળા તો તેને બચ્ચન કુટુંબની વહુ જ સમજે છે. આ નવેમ્બરમાં ૪૯ ની થનારી ઐશ્વર્યા કદાચ બે સંજોગોનો શિકાર થઇ ગઇ છે. બચ્ચન કુટુંબની વહુ હોવાના કારણે તે કોઇપણ ફિલ્મ પસંદ નથી કરી શકતી અને ઐશ્વર્યા માટે બધા નિર્માતા કલાસિક ફિલ્મ વિચારે એ શકય નથી. બીજો સંજોગ એ કે તે જાણે ભારતીય ફિલ્મોની વૈશ્વિક પ્રતિનિધિ બની ગઇ એટલે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં વધારે દેખાય છે.
૨૦૦૭ માં અભિષેકને પરણ્યા પછી તેની ૧૧ જ ફિલ્મો આવી છે અને તેમાં એક ઇંગ્લિશ એક સાઉથની ફિલ્મ છે. અત્યારે રજૂ થઇ રહેલી ‘પીએસ-વન’ પણ સાઉથની જ છે. અભિષેક સાથેના મેરેજ પછી તેની સફળ રહેલી ફિલ્મોમાં ‘જોધા અકબર’, ‘સરકાર રાજ’, ‘એકશન રિપ્લે’ ગણાવી શકો. ‘ગુઝારીશ’ ખૂબ સારી ફિલ્મ પણ સફળ નહીં. ‘સરબતજીત’ ચર્ચાસ્પદ ફિલ્મ રહેલી પણ સફળ નહોતી. ‘એ દિલ હે મુશ્કિલ’ એવી ફિલ્મ હતી જેની પર જયા બચ્ચન અકળાયેલા. ઐશ્વર્યાની ફિલ્મો પર હવે કમર્શીઅલ સેટઅપનું દબાણ નથી હોતું. તેની ફિલ્મો જો અમિતાભ સાથે આવે તો પ્રેક્ષકો જરૂર જોવા તૈયાર થાય પણ એ હવે મુશ્કેલ લાગે છે અને અભિષેક સાથેની જોડી કમર્શીઅલ સકસેસ નથી બની.
ઐશ્વર્યા હવે પોતાની ઇમેજ સાથે પ્રયોગો કરવાની દશામાં નથી કારણકે આમ પણ તેની ઉંમર બધા પ્રકારની ભૂમિકા માટે નથી. શાહરૂખ, સલમાન, ઋતિક, અજય દેવગણ સાથે તેની ફિલ્મો હોય શકે પણ હવે સલમાન સાથે તો ફિલ્મ શકય નથી અને શાહરૂખ પોતાની જગ્યા શોધી રહ્યો છે. અજય દેવગણ સિનીયર દેખાતી એકટ્રેસ સાથે કામ કરી પોતાનું નુકસાન કરાવે તેવો નથી. એટલે જેમ કાજોલ પાસે અત્યારે એક જ ફિલ્મ છે તેમ ઐશ્વર્યા પાસે છે. બાકી તે વધારે ફિલ્મોની અધિકારી છે. પણ તે ટોપ પર હતી ત્યારે પણ વધુ ફિલ્મો ન કરી શકી તો અત્યારે શું કરે? હવે તો તેની દિકરી આરાધ્યા પણ આ નવેમ્બરમાં ૧૨ માં વર્ષમાં પ્રવેશ કરશે. ઐશ્વર્યા, કાજોલ, માધુરી હજુ પણ લોકોમાં આકર્ષણ ઊભું કરી શકે છે પરંતુ વધારે ફિલ્મોમાં કામ કરે તો તે શકય છે. ‘પીએસ-વન’ તો સાઉથની છે એટલે હિન્દીમાં તેનો પ્રચાર પણ પૂરતો નથી થયો. ઐશ્વર્યાને અફસોસ તો થતો હશે પણ ઉપાય નથી. •