Entertainment

પપ્પા વગર ઋતિક ‘રોશન’ થશે?

ઋતિક રોશનની ઇમેજ એક ટૉપ કલાસના સ્ટાર તરીકેની છે પણ અત્યારે તેની એ ઇમેજ હોલ્ટ પર મુકાયેલી છે. ‘વિક્રમ વેધા’ વડે તેણે ફરી સાબિત કરવાનું છે કે તે ટૉપ કલાસ સ્ટાર છે. જો કે અત્યારે સલમાન, શાહરૂખ, અક્ષયકુમાર પણ થિયેટરનો સામનો કરવાથી ડરી રહ્યા છે ત્યારે ઋતિકનું શું થશે? ઋતિક સામાન્યપણે ઓરિજીનલ ફિલ્મોનો આગ્રહી છે પણ ‘ડોન-2’ અને ‘અગ્નિપથ’ ફિલ્મ તો મૂળ અમિતાભની હતી અને તેણે તે ફિલ્મોમાં કામ કરવાનું સાહસ કરેલું. અમિતાભ જેવા ગ્રેટ સ્ટારની ફિલ્મ ઋતિક જ નહીં કોઇપણ સ્ટારને લઇને બને તો ચેલેન્જ બની જાય. શાહરૂખ એ ચેલેન્જમાં નિષ્ફળ ગયેલો ને ઋતિક સફળ ગયેલો. બાકી તે ‘ક્રિશ’ શ્રેણીની કુલ ત્રણ ફિલ્મોમાં કામ કરી ચુકયો છે ને સફળ જ રહ્યો છે. ઋતિક જે પણ ભૂમિકા ભજવે તેમાં એક ઇમ્પેકટ ઊભી કરે છે. ‘વિક્રમ વેધા’ મૂળ તમિલ ફિલ્મની રિમેક છે અને તેની મૂળ દિગ્દર્શક જોડી પુષ્કર – ગાયત્રીએ જ ફરી દિગ્દર્શન કર્યું છે એટલે મૂળની અસર જળવાશે. 

આ ફિલ્મ વિશે અત્યારની નેગેટિવ કહેવાનો અર્થ નથી પણ તેમાં ફરી એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેકટરની વાત છે જે ખતરનાક ગેંગસ્ટરનો મુકાબલો કરે છે. ફિલ્મમાં વિક્રમની ભૂમિકા સૈફ અલીખાને અને વેધાની ભૂમિકા ઋતિક રોશને ભજવી છે. ફિલ્મમાં વેધા જયારે વિક્રમને ત્રણ સ્ટોરી કહે છે ત્યારે તેની સારા અને ખરાબની વ્યાખ્યા બદલાવા લાગે છે. ફિલ્મની વાર્તામાં રહેલી આ વાર્તા પ્રેક્ષકોને જરૂર જકડી શકશે. દિગ્દર્શકે મૂળ વિક્રમ – વૈતાળની વાર્તાને આ ફિલ્મનો આધાર બનાવ્યો છે. જયારે હિન્દીમાં બનાવવાનો વિચાર થયેલો ત્યારે શાહરૂખને પૂછાયેલું પણ તેણે ના પાડેલી. પછી સૈફ અને આમીરખાન તૈયાર થયેલા અને આખર આમીરની જગ્યાએ ઋતિક પસંદ થયો છે.

આ ફિલ્મમાં તે અવધી બોલી બોલ્યો છે કારણકે વેધાને કાનપૂરનો બતાવાયો છે. હવે જોવાનું છે કે આ ફિલ્મમાં તે કેવો જાદુ કરે છે.  ઋતિકને અત્યારે સફળતાની ખૂબ જરૂર છે એમ કહેવા કરતાં આખા ફિલ્મોદ્યોગને સફળતાની ખૂબ જરૂર છે. કોરોના કાળમાં તેની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ એટલે ૨૦૧૯ ની ‘વોર’ પછી ત્રણ વર્ષે આ રજૂ થઇ કહેવાશે. ઋતિકની દરેક ફિલ્મ વધારે જ સમય લેતી હોય છે એટલે આ સહજ ગણાશે. પણ વધારે સમય લેવા માત્રથી ફિલ્મ સફળ જ જશે એવી ગેરંટી નહીં આપી શકાય એવું ‘લાલસીંઘ ચઢ્ઢા’ના ઉદાહરણ પરથી કહેવાશે. ઋતિક સામાન્યપણે અપેક્ષા ભંગ નથી કરતો એ ચોકકસ. વળી તે ‘વૉર’ની સિકવલ ‘ફાઇટર’માં અત્યારે કામ કરે જ છે જેમાં તેની સાથે દિપીકા પાદુકોણ, અનિલ કપૂર છે.

‘વિક્રમ વેધા’ સફળ જશે તો ‘ફાઇટર’ના નિર્માતા – દિગ્દર્શક સિધ્ધાર્થ આનંદમાં પણ નવી તાકાત આવી જશે. એટલું જ નહીં ૨૦૧૩ માં ‘ક્રિશ-3’ રજૂ કર્યા પછી ઘોષણા કરવા છતાં ‘ક્રિશ-4’ ને પૂરી ન કરી શકેલા રાકેશ રોશન પણ આગળ વધશે. ઋતિક રોશન હોય એટલે આપોઆપ ફિલ્મ મોટી બની જાય છે. નાના સ્ટાર સાથે ફિલ્મ બનાવો ને તે સફળ જાય તો ય કમાણી ઓછી અને નિષ્ફળ જાય તો ય દેવાળું ફૂંકવા જેવું ન થાય. ઋતિક જેવા કરોડો કમાવી આપે અથવા કરોડોની ગરીબી લઇ આવે. ઋતિકને લઇ હમણાં કોઇએ નવી ફિલ્મ શરૂ નથી કરી પણ ‘વિક્રમ વેધા’ પછી તેના નામે એકાદ-બે ફિલ્મ આવે એ શકય છે. હમણાં આમીરખાનને તો કોઇ વટાવવાનું નથી ને સલમાન, શાહરૂખની ફિલ્મો આવે પછી તેના વિશે વાત થશે. ઋતિકે અત્યારે બીજા લગ્ન પણ હોલ્ટ પર મુકયા છે. સુઝેન ખાનથી જુદા પડયાને આઠ વર્ષ થયા. હવે સબા આઝાદ પણ રાહ જુએ છે ઋતિક તેને બંધનમાં બાંધે. •

Most Popular

To Top