સુરત: સુરતમાં હનુમાનજી મંદિરમાં સત્સંગ કરવા બાબતે એક જ મહોલ્લાના બે પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલતો વિવાદ હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. મામલતદારની સામે જ બંને પરિવારો બાખડી પડ્યા હતા અને એક પરિવારના સભ્યોએ બીજા પરિવારને ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉતરાણ વિસ્તારમાં આનંદ ધારા આશ્રમ પાસે સરકારી જગ્યામાં આવેલા હનુમાનજીના મંદિરને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સોમવારે મામલતદાર સ્થળ તપાસ માટે આવ્યા હતા. ત્યારે પરમાર પરિવાર અને સોસાયટીના લોકો મામલતદાર સાથે ગયા હતા. આ સમયે પટેલ પરિવારની ત્રણ મહિલા સહીત કુલ છ લોકો ત્યાં આવ્યા હતા અને એલફેલ ગાળો આપી જોર જોરથી બૂમો પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આખરે પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મોટા વરાછા આનંદ ધારા આશ્રમ પાસે આવેલા હનુમાનજીનું મંદિર સરકારી જગ્યા પર ગેરકાયદેસર હોવાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે એક જ ફળિયામાં રહેતા પરમાર પરિવાર અને પટેલ પરિવાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે. પટેલ પરિવાર કે પરમાર પરિવાર જયારે સત્સંગ કરવા જાય ત્યારે એકબીજાને અટકાવે છે જેના કારણે ઝઘડાઓ ઉભા થાય છે. ગતરોજ મામલતદાર આ મંદિરની જગ્યા જોવા માટે આવ્યા હતા.
ત્યારે ખરી ફળિયામાં રહેતા અંજનાબેન ગીરીશભાઇ પરમાર મામલતદાર સાથે મંદિર બાબતે વાતચીત કરતા હતા. આ સમયે ખરી ફળિયામાં જ રહેતા સેજલબેન હાર્દિકભાઇ પટેલ તથા તેના પપ્પા દિલીપભાઇ શંકરભાઇ પટેલ, મમ્મી ગીતાબેન, કાકી જાગૃતિબેન, હેમંત શંભુભાઇ ચુડાવત તથા કલ્પેશભાઈ મિસ્ત્રી ઉર્ફે ભાઇબંધ આ બધા એક્સપ થઇ ત્યાં આવી ગયા હતા. તમામે એક થઇ અંજનાબેન તથા રાકેશભાઇ મનહર પરમારને ગંદી ગંદી ગાળો આપી દિલીપભાઇએ રાકેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તમામે અંજનાબેનને અશ્લીલ શબ્દો બોલી તેના પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અંજનાબેનની ફરિયાદ લઇ સેજલ હાર્દિક પટેલ, દિલીપ શંકરભાઇ પટેલ, ગીતા દિલીપ પટેલ, જાગૃતિ પ્રવિણ પટેલ, હેમંત શંભુ ચુડાવત અને કલ્પેશ મિસ્ત્રી ઉર્ફે ભાઇબંધ (તમામ રહે.ખરીફળીયુ આનંદધારા આશ્રમ પાસે મોટાવરાછાગામ ઉત્રાણ) સામે ગુનો નોંધી તપાસ આદરી છે.