SURAT

સુરતના અમરોલી વિસ્તારના રહીશોએ યુવકને ચોર સમજી મારતા તે મરી ગયો હવે બધા ભેરવાયા

સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા નવા કોસાડ રોડ પર અજાણ્યા યુવકને ચોર સમજી લોકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સોસાયટીના રહીશો લાકડાથી અજાણ્યા યુવકને માર્યા બાદ પરત ફરી રહ્યાં હતાં તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમરોલી પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • સુરત શહેરમાં હત્યા નો સિલસિલો યથાવત
  • અમરોલી વિસ્તારમાં એક યુવક ને ચોર સમજી માર મારી હત્યા કરી દેવામાં આવી
  • યુવક ને મારી મારી ફેંકી દેવામાં આવ્યો હતો, પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
  • તમામ હત્યારા થયા સીસીટીવીમાં કેદ, અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 25મી સપ્ટેમ્બરના રોજ બપોરે અમરોલીમાં આવેલી સ્વીટ હોમ રેસિડેન્સીની સામે હરેકૃષ્ણ રેસિડેન્સીની દુકાન નંબર 3 નિશાલ સ્ક્રેપની સામે ઓટલા ઉપર એક અજાણ્યો યુવક બેઠેલો હતો. જેને આશીર્વાદ હાઈટ્સની બિલ્ડિંગના રહીશોએ ચોર સમજી મારવા લીધો હતો. સોસાયટીના રહીશો તે યુવકને પાર્કિંગમાં લઈ ગયા હતા અને લાકડીથી બેરહેમી પૂર્વક માર માર્યો હતો. ઢોર માર મારવાના લીધે યુવકને ગંભીર ઈજા થઈ હતી. તે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સોમવારે રાતે તેનું મોત નિપજ્યું હતું.

અમરોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને હુમલાખોર તરૂણ જયસુખ ભડીયાદરા, સાગર મહેશ ભટ્ટ, ભાવેશ ધનભાઈ બોરડ, વિનુભાઈ બચુભાઈ વાઘેલા, સુરસિંગભાઈ ઉર્ફે બાપુ ડાભી, પ્રભુદાસ ધીરજલાલ વિઠ્ઠલાણી અને જય હિંમત વસવાદીયા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેગમપુરામાં સામાન્ય બબાલમાં યુવક પર હુમલો
સુરત: સુરતના બેગમપુરા વિસ્તારમાં સામાન્ય બાબતમાં યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના બની છે. અહીંના ઝાલાવાડના ટેકરા ખાતે રહેતા ઈમરાન ફિરોઝ શેખ ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રિના સમયે ઈમરાન શેખના ઘરે રફિક કલંદર નામનો એક યુવક આવ્યો હતો ત્યારે ઈમરાનના ભાઈ સાજિદે રફીકને જમવા બાબતે પૂછ્યું હતું. જોકે, ત્યારે રફીક કારણ વિના ઉશ્કેરાયો હતો અને હું કંઈ ભિખારી નથી કે તું મને જમવાનું આપે છે તેમ કહી સાજિદને ગાળો દીધી હતી. દરમિયાન મહોલ્લાના રહીશો પણ વચ્ચે પડ્યા હતા અને રફીકને સમજાવ્યો હતો. જોકે, રફીક કલંદરે બોથડ પદાર્થ થી સાજિદ પર હુમલો કરી દીધો હતો. ઈમરાને આ અંગે રફીક સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top