વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના પાલણ ગામે આજે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક (Bike) ચાલકે કૂતરાને (Dog) અડફેટે લેતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કૂતરાનું પણ મોત નીપજ્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ધનોરી ગામે સોસાયટી ફળિયામાં રહેતા કાંતિ છગન પટેલ (ઉંવ 55) ગુંદલાવમાં ડેમોસા કંપનીમાં નોકરી કરે છે. સોમવારે સવારે કાંતિલાલ પોતાની બાઈક લઈને ગુંદલાવ ડેમોસા કંપનીમાં આવવા માટે નીકળ્યા હતા. પાલણ ગામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા વચ્ચે કૂતરું આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાંતિલાલની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. તેમને માથામાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કૂતરાનું પણ મોત નીપજ્યું હતું. જેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કાંતિલાલની લાશને એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ મથકે નોંધાઈ છે.
બાજીપુરા ગામે સિધ્ધપુર ડેપોની બસને અકસ્માત નડ્યો
વ્યારા: વાલોડના બાજીપુરા ખાતે પસાર થતા વાપી-શામળાજી માર્ગ ઉપર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે બાજીપુરા ગામે સિધ્ધપુર ડેપોની બસને અકસ્માત નડ્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉકાઈ-પાલનપુર બસ નં.(જીજે ૧૮ ઝેડ ૫૧૩૫)માં ૫૦ જેટલા પેસેન્જર હતા. બસના ચાલકે કિયા કપનીની કાર નં.(જીજે ૨૬ એન ૯૫૫૯)ને બચાવવા ડિવાઈડર પર બસ ચઢાવી દીધી હતી. જેમાં મુસાફરો અને કારસવારોનો બચાવ થયો હતો. અકસ્માત થતાં સ્થાનિકો મુસાફરોની મદદે દોડી આવ્યા હતા.
વેરાકુઈ-ઝાબ પાતલ માર્ગ પર માટી ભરેલું ડમ્પર પલટી ગયું
વાંકલ: માંગરોળ તાલુકાના વેરાકુઇ ઝાબ પાતલ માર્ગ પર માટી ભરેલું ડમ્પર પલટી મારી ગયું હતું. પરંતુ સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ડમ્પરનો ચાલક રાહુલ વસાવા કામરેજથી માટી ભરવા માટે આવ્યો હતો, ત્યારે આ સ્થળે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ડમ્પર માર્ગની બાજુમાં આવેલી ગટરમાં પલટી મારી ગયું હતું. ડમ્પર કામરેજના દોલત ભરવાડની માલિકીનું હોવાનું જાણવા મળી રહ્યું છે.