વડોદરા: સરકારી ખાતાઓમાં ઉપરી અધિકારીઓ અને તેમના નીચે કામ કરતા કર્મચારીઓ વચ્ચેનો સંબંધ દર વખતે સુમેળભર્યો હોતો નથી.કેટલીક વખત સંબંધમાં એ હદે ખટાશ આવે કે કર્મચારીએ તેનું ક્યારેય ન વિચારેલું પરિણામ ભોગવવું પડે.પોતાની વ્યથા કર્મચારી ઠાલવે તો ઠાલવે ક્યાં ! ક્યારેક આ રોષ સોશિયલ મીડિયા તો ક્યારેક આ રોષ ચલણી નોટો પર લખાણ સ્વરૂપે જોવા મળે છે. વડોદરાની લાલકોર્ટની દીવાલો પર આવા જ કોઈએ પોતાની વ્યથા ઠાલવી લખ્યું સાહેબશ્રી કેમ મારા પાછળ પડ્યા છો.
આ લખાણ દીવાલ પર જોતા પસાર થતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. મોટા ભાગે ખાનગી કંપનીઓમાં બોસ અને કર્મચારીઓ વચ્ચે સંબંધ સારો ન હોય તો, કર્મચારીઓ પાસે બીજી નોકરી પસંદ કરવાનો વિકલ્પ હોય છે. પણ સરકારી ખાતામાં કામ કરતા કર્મચારીઓ પાસે એવો કોઈ વિકલ્પ હોતો નથી. સરકારી કર્મચારી અથવા કડવો અનુભવ થયેલ વ્યક્તિ પોતાનો રોષ બહાર કાઢવા ક્યારેક સોશિયલ મીડિયા તો ક્યારેક ચલણી નોટો અથવા તો અન્યત્ર માધ્યમનો ઉપયોગ કરે છે. આપણે તાજેતરમાં ચલણી નોટ પર સોનમ બેવફા હૈ તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયું જ છે.
હવે ઈન્ટરનેટના જમાનામાં આ બધું વાયરલ થઈ કરોડો લોકો સુધી પહોંચે છે. જોકે મોટાભાગના કિસ્સાઓમાં રોષ ઠાલવવા પાછળની વ્યક્તિ તથા તેનું કારણ જાણી શકાતું નથી. કેટલાક સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્થળ પાસે પોલીસ પોઇન્ટ આવેલો છે. જેથી શું આ લખાણ જોઈ પોલીસ કર્મી દ્વારા ઉપરી અધિકારીના ત્રાસથી કરવામાં આવ્યું છે કે કેમ તેની લોકચર્ચા ઉઠવા પામી છે. તો બીજી તરફ આ લખાણ કોઈ ટીખળખોર દ્વારા કરવામાં આવ્યું હોવાનો પણ લોકોમાં ગણગણાટ છે. હવે આ મામલે શુ થાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.