સુરત: સુરત (Surat) શહેરમાં હનીટ્રેપનો (Honey Trap) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફોન, સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી યુવકોને ફસાવવાના કિસ્સા તો સાંભળ્યા હતા પરંતુ સુરતમાં તો લિફ્ટ (Lift) માંગીને કારચાલકને ફસાવી લાખો રૂપિયા પડાવી લેવાયા હોવાનો બનાવ બન્યો છે. યુવકની ફરિયાદને આધારે પોલીસે હનીટ્રેપ ગેંગને ઝડપી પાડી છે. જોકે, આ બનાવ બાદ લોકો હવે અજાણ્યાઓને લિફ્ટ આપતા પણ સૌ વાર વિચાર કરશે.
આ કેસની વિગત એવી છે કે મૂળ પશ્ચિમ બંગાળના અને સુરતમાં અલથાણના ભીમરાડ વિસ્તારમાં રહેતા અને દિલ્હી ગેટ બેલ્જિયમ સ્કેવરમાં આવેલી લોર્ડ ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રિન્સીપલ તરીકે નોકરી કરતા પ્રોસેનજીત ચૌધરી ગઈ તા. 25મી ઓગસ્ટના રોજ બપોરે 12.30 કલાકે પરવટ પાટીયા ખાતે તેમની સ્કૂલની મિટીંગ માટે જઈ પોતાની કાર જીજે-05-જેબી-4282માં જઈ રહ્યાં હતાં ત્યારે લોર્ડ્સ હોટલની સામેના રોડ પર 30થી 35 વર્ષના ઉંમરના એક અજાણ્યા ઈસમે ઈશારો કરી કાર રોકાવી હતી. ”હોસ્પિટલના કામ અર્થે જલદી જવાનું છે જેથી તમે લિફ્ટ આપશો?” તેવું પૂછ્યું હતું. ફરિયાદીએ માનવતા દાખવી અજાણ્યા ઈસમને લિફ્ટ આપી હતી. અજાણ્યો ઈસમ ડ્રાઈવરની બાજુની સીટ પર આવી બેઠો હતો અને તરત જ તેણે ચપ્પુ કાઢી ફરિયાદીના પેટના ભાગે મુકી દઈ કહ્યું હતું, ”હું જ્યાં કહુ ત્યાં ગાડી લઈ લે”. ગભરાયેલા ફરિયાદીએ તેની સૂચના માની લીધી હતી.
આરોપી ઈસમ પ્રોસેનજીત ચૌધરીને અડાજણના મધુવન સર્કલ પાસે ટ્રીનીટી બિલ્ડિંગની બાજુમાં આવેલા શિવ કોમ્પલેક્સના પહેલાં માળના ફ્લેટમાં લઈ ગયો હતો. અહીં પહેલાથી જ 25થી 30 વર્ષની અંદાજિત ઉંમર ધરાવતી બે મહિલાઓ હતી. ઉપરાંત બે અજાણ્યા પુરુષો પણ હતા. તે પૈકી એક પુરુષે પોતે ઓળખ પોલીસ તરીકેની આપી ”તું આ બે મહિલાઓ વચ્ચે ઉભો રહી જા” તેમ કહ્યું હતુ. પ્રોસેનજીતે ના પાડતા તેને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. તેથી ફરિયાદી બે મહિલા વચ્ચે ઉભો રહ્યો હતો ત્યારે એક ઈસમે ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 20 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી. જો પૈસા નહીં આપે તો હું આ મહિલાઓ સાથે તને પોલીસ સ્ટેશન લઈ જઈશ તેવી ધમકી પણ આપી હતી. છેલ્લે 5 લાખની વાત થતા ફરિયાદીએ પોતાના મિત્રો પાસે અર્જન્ટ પૈસાની જરૂર હોવાનું બહાનું કરી ટુકડે ટુકડે 5 લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ લીધા બાદ આરોપીઓએ ફરિયાદી પ્રોસેનજીત સાથે તેની કારમાં મોતી ટોકિઝ સિનેમા રોડ ગયા હતા અને ત્યાં કારમાંથી ઉતરી ભાગી ગયા હતા. બદનામીના ડરથી આ ઘટના બન્યાના 15 દિવસ બાદ પ્રોસેનજીત ચૌધરીએ પોલીસને ફરિયાદ આપી હતી.
હનીટ્રેપ ગેંગ પકડાઈ
પ્રોસેનજીતની ફરિયાદને આધારે અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી અને હનીટ્રેપ ગેંગને પકડી પાડી છે. પોલીસે લાલ શિવરાજ લખધીર (ઉં.વ. 32, ધંધો ડાયમંડ, રહે 301, સાંઈ પોઈન્ટ, ડિંડોલી, સુરત), અલ્પેશ ઉર્ફે જીજુ જગદીશ પટેલ (ઉં.વ. 32, ધંધો રેતીકપટીનો વેપાર, રહે વસનજીપાર્ક, કંતારેશ્વર મહાદેવની સામે, કતારગામ, સુરત), લલિત ખીમજી ચૌહાણ (ઉં.વ. 28, ધંધો મજુરી, રહે. સ્ટાર પેલેસ અમરોલી, સુરત), રૂકીયા ઉર્ફે ફાતીમા ઉર્ફે રીના વ્હોરા (ઉં.વ. 31, ગૃહિણી, રહે. વૃંદાવન એપાર્ટમેન્ટ, સલાબતપુરા)ની ધરપકડ કરી છે. લાલ શિવરાજ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ તેની વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 3,87,000 જપ્ત કર્યા છે.