2021 ના એક જ વર્ષમાં રોડ એક્સિડન્ટસને કારણે 1,55,622 લોકો મર્યાં. એના લીધે દેશની અર્થવ્યવસ્થાને 3096 અબજ રૂપિયાનું પારાવાર નુકસાન થયું હતું. ભારતમાં દર વર્ષે 8 લાખ કેન્સરનાં દર્દી નોંધાય છે. ભારતમાં વાર્ષિક દોઢ કરોડ ગર્ભપાત થાય છે. એમાંનાં 56 ટકા જોખમી નીવડે છે. દેશમાં દર વર્ષે અડધો લાખ બાળકો ગુમ થાય છે. દેશમાં પ્રતિ એક લાખે 26 મહિલામાં બ્રેસ્ટ કેન્સર જોવા મળ્યું છે. દેશમાં લોકો ભિખારીઓને દર વર્ષે લગભગ રૂપિયા 2900 કરોડ ભીખમાં આપે છે.ભારતમાં લગભગ 4.17 લાખ ભીખારી છે.
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રોબોટ હત્યા કરે તો?
તા. 24-8-22 ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં ‘એક સમુદ્ર અનેક કિનારા’ નરેન્દ્ર જોષીની કોલમમાં રોબોટ વિષે ઘણું જાણવાનું મળ્યું. માણસ એ યંત્ર માનવને ચલાવવામાં ભૂલ કરે તો તે ચલાવનાર વ્યકિતના આંગળા પણ કાપી નાંખે છે અરે એટલું જ નહીં તે વ્યકિતનો જીવ પણ લઇ લે છે. એક રીતે જોઇએ તો એ ખૂન થયું ગણાય. હવે એ વ્યકિતના સંબંધી કોના પર કેસ કરશે? એને વળતર કોણ આપશે? વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી છે તેમ છતાં યંત્ર માનવમાં સંવેદના સહાનુભૂતિ, ક્ષમા, પ્રેમ જેવા માનવીય ગુણો હોતા નથી. આથી યંત્ર માનવ એ જોખમકારક છે એ હકીકત છે. માણસ અન્ય માણસ દ્વારા કામ કરે છે અને એમાં કોઇ ભૂલ થાય તો માણસનો જીવ જાય તો એને માટે કોણ જવાબદાર? વિજ્ઞાને પ્રગતિ કરી છે પણ વિજ્ઞાન હજી લોહી બનાવી શકયું નથી. કુદરત આગળ વિજ્ઞાન હજી લાચાર છે એ ફલિત થાય છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.