ગાંધીનગર : રાષ્ટ્રપતિના ચંન્દ્રકથી સન્માનિત થયેલા રાજ્ય પોલીસ (Police) દળના અધિકારીઓને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ (Gujarat Police) આયોજિત પોલીસ મેડલ અલંકરણના સમારોહમાં જણાવ્યું હતું કે રાજ્યની સુરક્ષા, શાંતિ અને સલામતિના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા અને ફરજપરસ્તી છે. તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટથી ઉદ્યોગ-વેપાર જગતમાં ગુજરાતની વૈશ્વિક છબિ ઊભી કરી છે. આના પરિણામે દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગ વ્યવસાયકારો ગુજરાતમાં રોકાણકારો કારોબાર માટે આકર્ષાયા છે.
ગુજરાતની સુદ્રઢ સુરક્ષા, શાંતિ અને સલામતિ એ આવા રોકાણકારો માટે ગુજરાતને રોકાણ માટેની પસંદગીનું પહેલું સ્થળ બનાવ્યું છે તેનો યશ રાજ્યના પોલીસ બેડાને ફાળે જાય છે. મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસ દળના ૯૯ જેટલા અધિકારી-કર્મીઓને પ્રસંશનીય સેવા, વિશિષ્ટ સેવા માટેના જાહેર થયેલા પોલીસ મેડલ્સ અમદાવાદમાં અર્પણ કર્યા હતા.
પટેલે વડાપ્રધાન મોદીએ પોલીસ દળના સેવા-સમર્પણને બિરદાવી પોલીસને સમાજ સુરક્ષાના પ્રહરી કહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને POLICEની આગવી વ્યાખ્યા પરિભાષિત કરી હતી. રાજ્ય સરકારે ગુનાખોરી માટે ‘ઝિરો ટોલરન્સ’ની નીતિ, ડિજિટલ ઇન્ડિયાનું અમલીકરણ અને ટેક્નોલોજીયુક્ત અભિગમ અપનાવીને ગુજરાત પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા અને પ્રજાની સુરક્ષા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે તેની સરાહના કરી હતી. તેમણે પોલીસ દળના અધિકારી-કર્મીઓની કપરી ફરજોના સંજોગોમાં તેમના પરિવારજનો પણ સહયોગ આપીને સમાજ સેવાદાયિત્વ નિભાવી રહ્યા છે તેની પણ પ્રસંશા કરી હતી.