ગાંધીગનર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ કહ્યું હતું કે, ગઈકાલે બે દિવસીય ચોમાસુ સત્ર પૂર્ણ થતાની સાથે મારૂ મિશન પૂર્ણ થયું છે. મને વિધાનસભાના અધ્યક્ષ તરીકે તક મળી તે દરમ્યાન વિધાનસભાના સંચાલનમાં મને ભાજપ તથા વિપક્ષ કોંગ્રેસના સભ્યોનો સંપૂર્ણ સાથ – સહકાર મળ્યો છે. જેના પગલે ગૃહનું સંચાલન સારી રીતે કરી શકાયું છે.
ડૉ. આચાર્યએ કહ્યું હતું કે હું વ્યવસાયે ગાયનેકોલોસ્ટ છું. પરંતુ ૨૫થી ૨૭ વર્ષની મારી રાજકિય કારકિર્દી દરમ્યાન મેં મહિલાઓના ઉત્થાન – સશકિત્તકરણ માટે કામ કર્યુ છે. ગૃહમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકેના એક વર્ષ દરમ્યાન મહત્વના વિધેયકો પણ પસાર કરાયા છે. જ્યારે સામાન્ય લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલાય તે માટે અસરકારક ચર્ચાઓ પણ થઈ છે.
ગઈકાલે વિધાનસભાનું બે દિવસીય સત્ર પૂર્ણ થયું ત્યારે કાંઈ કેટલીય ખાટી મીઠી યાદો ગૃહની ચર્ચા દરમિયાન જોવા મળી હતી. એટલું જ નહીં હસતા હસતા સૌ ધારાસભ્યો છૂટા પડ્યા હતા.