ડીસા: ગુજરાતમાં ચાલી રહેલા ગૌશાળા-પાંજરાપોળને દાન ન મળતા તેઓની હાલત કફોડી બની હતી. દાન આવવાનું બંધ થઇ પાંજરાપોળના સંચાલકોએ સહાયની માગણી કરી હતી. જેના પગલે સરકારે ગૌશાળા-પાંજરાપોળ માટે 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી. જો કે આ જાહેરાત કર્યાને પણ 6 મહિના વીતવા છતાં સહાય ન મળતા શુક્રવારનાં રોજ ઉત્તર ગુજરાતનાં ડીસા, બનાસકાંઠાનાં શાળા-પાંજરાપોળનાં સંચાલકો આકરા પાણીએ આવી ગયા હતા. તેઓએ આક્રોશમાં આવીને પાંજરાપોળમાંથી એક સાથે તમામ ગાયોને રસ્તા પર છોડી દીધી હતી. જેના કારણે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. સાથે જ પોલીસ પણ દોડતી થઇ ગૈ૯ હ્હે.
ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મુકાયા
ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતાં પાંજરાપોળના સંચાલકોએ સહાયની માગણી કરતાં સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી, જોકે છ મહિના બાદ પણ સહાય ન ચૂકવતાં સંચાલકોએ સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટિમેટ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે આજે વહેલી સવારે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યાં હતા.
ડીસામાં મંત્રીની કારને ઘેરી લેવાઈ
ડીસામાં ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોમાં આક્રોશ વધતાં ગૌસેવકોએ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવો કર્યો હતો. 10 મિનિટ સુધી મંત્રીની ગાડીને ઘેરાવો કરતાં મમલો ગરમાયો હતો. મંત્રી ગાડીના કાચ પણ ખોલી શક્યા નહોતા. ગૌસેવકોમાં રોષ વચ્ચેથી પોલીસે મહામુસીબતે મંત્રીને બહાર કાઢ્યા હતા.
ગાયોને સરકારી કચેરી મોકલાઈ, પોલીસને ભારે દોડધામ
તમામ પાંજરાપોળો અને ગૌશાળાઓમાંથી ગાયોને છોડીને સરકારી કચેરીમાં મોકલી આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેને લઈને અનેક માર્ગો ઉપર હજારો ગાયો સરકારી કચેરીઓમાં લાવવામાં આવી રહી છે. જેના પગલે પોલીસને પણ ભારે દોડધામ કરવી પડી રહી છે. જ્યારે સરહદી વિસ્તાર થરાદ- સાચોર હાઇવે પર પણ આ જ રીતે ગૌશાળામાંથી ગાયો છોડી મૂકવામાં આવતા હાઈવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે વાહનોની બંને સાઈડ વાહનોની કતારો જોવા મળી રહી છે. બીજી તરફ લાખણી તેમજ ડીસામાં ગાયો માટે ગૌ સેવકો દ્વારા ઝોળી ફેલાવીને દાન એકઠું કરવામાં આવી રહ્યું છે. અને ગાયોના નિભાવ માટે ગૌ પ્રેમીઓને દાન આપવા માટે ગૌ સેવકો વિનંતી કરતા જોવા મળી રહ્યા છે.
ટાયર સળગાવી હાઇવે બ્લોક કરાયો
ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોનું આંદોલન ઉગ્ર બનતું દેખાઈ રહ્યું છે. ડીસાના એલિવેટેડ બ્રીજ પર ગૌભકતો દ્વારા ટાયરો સળગાવી હાઈવે બ્લોક કરી દીધો છે. પોલીસે આંદોલન કરતાં લોકોની અટકાયત કરાતા ટાયરો સળગાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.