ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાના આજનો છેલ્લો દિવસ તોફાની બની રહ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના (Congree) સભ્યોએ લમ્પી વાયરસ, વધતી જતી મોંઘવારી તથા ખાદ્યતેલના ભાવોના મામલે સરકારને ઘેરી લીધી હતી. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૧૦ ઓબીસી અનામત બેઠકો હોવી જોઈએ તે માંગને લઈને પણ કોંગીના સભ્યોએ સરકારને ઘેરી લીધી હતી. એટલું જ નહીં વિધાનસભા ગૃહની અંદર હોબાળો મચાવીને સૂત્રોચ્ચાર સાથે બે વખત વોકઆઉટ પણ કર્યો હતો. જયારે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ પણ થયા હતા.
કોંગ્રેસના સભ્યોએ આજે લમ્પી વાયરસના મામલે ગૃહમાં હોબાળો મચાવવા સાથે સૂત્રોચ્ચાર સાથે વોક આઉટ પણ કર્યો હતો. કોંગ્રેસના સીનિયર સભ્ય પુંજા વંશને લમ્પી વાયરસ વિશે પ્રશ્ન પૂછતા અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની બેઠક પરથી ઉભા થયા હતા. એટલું જ નહીં સૂત્રોચ્ચાર ચાલુ કર્યા હતા. કોંગ્રેસ તરફથી લમ્પી વાયરસથી ગાય બચાવોના નારાઓ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ગૃહમાં થયા હતા. આ પછી કોંગ્રેસ પક્ષે વોક આઉટ કર્યું હતું.
કોંગ્રેસના વિધાનસભામાં હોબાળા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે લમ્પી વાયરસના કેસ મુદ્દે ખુલાસો કરતાં કહ્યું હતું કે, હાલ રાજ્યમાં માત્ર 11,000 પશુઓ જ માત્ર સારવાર હેઠળ છે. જ્યારે અન્ય અસર ગ્રસ્ત પશુઓ સ્વસ્થ થયા છે. જ્યારે રાજ્યના અસર ગ્રસ્ત પશુઓમાંથી માત્ર 3.5 ટકા પશુઓના જ મૃત્યુ થયા છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધી 27 જિલ્લાના 8285 ગામોમાં 1,79, 743 પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી હતી. જેમાંથી 1, 52,600 પશુઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં રાજ્ય સરકારે આ તમામ પશુઓને વિનામૂલ્યે સારવાર આપી છે. જેમાંથી માત્ર 3.5 ટકા પશુઓનાં મોત થયા છે.
ગૃહમાં કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય પરેશ ધાનાણીએ ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે સરકારને ભીંસમાં લેતા પ્રહાર કર્યા હતા. મોંઘવારી તથા વધતાં જતાં ખાદ્ય તેલના ભાવના મામલે સરકાર-વિપક્ષના સભ્યો આમને સામને આવ્યા હતા. ધાનાણીએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે, આજે તેલનો ડબ્બો 3 હજાર રૂપિયાને પાર થયો છે. ભાજપના શાસનમાં સિંગતેલનો ડબ્બો 2600 ને પાર, તો કપાસિયા તેલનો ડબ્બો 2500 ને પાર થયાનો સરકારે ખુદ સ્વીકાર્યું છે. તમામ ખાદ્ય તેલના ભાવ આસમાને છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા પણ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગુજરાતની લાખો ગૃહિણીનું બજેટ ખોરવાયું છે ત્યારે તેમને સસ્તું તેલ ક્યારે મળશે.મોંઘવારી તથા ખાદ્યતેલના ભાવોના મમલે ફરીથી કોંગ્રેસના સભ્યો દ્વારા હોબાળો કરાયો હતો.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૧૦ ટકા ઓબીસી અનામત આપવાની માંગ સાથે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાં પ્લે કાર્ડસ સાથે દેખાવો તથા સૂત્રોચ્ચાર પણ કરાયો હતો. જેના પગલે સત્તાધારી પક્ષની દરખાસ્તના પગલે અદ્યક્ષ ડૉ નીમાબેન આચાર્ય દ્વારા કોંગ્રેસના સભ્યોને ગૃહની કાર્યવાહીમાંથી આજના દિવસ પુરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોગીના સભ્યોએ વોકઆઉટ કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર કરતાં વોકઆઉટ પણ કરી ગયા હતા. કોંગ્રેસના સભ્યો દ્વારા જાતિ આધારિત અનામતની માંગ પણ કરી હતી. વોકઆઉટ બાદ કોંગ્રેસના સીનિયર સભ્ય અમીત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે આ સરતકાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૧૦ ટકા ઓબીસી અનામત ખત્મ કરવા જઈ રહી છે. મામલતદાર તથા સ્થાનિક અધિકારીઓ પંચને જે માહિતી આપી રહ્યાં છે, તેના આધારે હવે ઓબીસી અનામત નક્કી કરાઈ રહી છે, જેના કારણે ઓબીસી સમાજને નુકસાન થવા જઈ રહયુ છે અમારી માંગ છે કે વસ્તી આધારિત જ્ઞાતિનો સર્વે કરાય , તેમાં વસ્તી આધારે ઓબીસી અનામત નક્કી કરીને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અનામતની બેઠકો નક્કી કરવી જોઈએ.