ગાંધીનગર: રાજ્યમાં આગામી તા.૨૬મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિ (Navratri) મહોત્સવ શરૂ થઈ રહી છે, ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓ રાત્રિના ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી ગરબા (Garba) રમી શકશે. ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે.
ગુરુવારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ, નવરાત્રિમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપી ૯ દિવસ રાત્રિના ૧૨ સુધી લાઉડ સ્પીકર-પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. બીજી તરફ હોસ્પિટલ, કોર્ટ તથા શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરવામાં આવશે. રાજ્યમાં આગામી તા.૨૬મી સપ્ટે.થી તા.૪થી ઓક્ટો. સુધી નવરાત્રિ મહોત્સવ ઉજવાશે.