સુરત શહેર અને જિલ્લામાં બનેલા ગંભીર ગુનાઓના ઉપરાછાપરી બનાવોએ ગુજરાતના ગૃહવિભાગની કામગીરી ઉપર પ્રશ્નાર્થ લગાવી દીધો છે. પી. કે. બંસલ, જે. એસ. બિન્દ્રા, એ. કે. સુરાલીયા, ગેહલોટ અને ઝાંબાજ પીઆઇ હડીયા જેવા અધિકારીઓ પોતાના કામમાં કોઇની દખલગીરી ચલાવતા નહીં, પોતાના બાતમીદારો ઉપર વિશ્વાસ રાખતા એમની ગુપ્તતાને સન્માન જાળવતા, જે રાજકારણીઓ એમની કામગીરીમાં ટાંગ અડાડતા એમના ફોન સાઇડ પર મૂકી દઇ ઠોસ કામગીરી કરતા. ખતરનાક માથાભારે ગુનેગારો આ અધિકારીઓથી ફફડતા, સુરોલીયા સાહેબે તો લતીફના અડ્ડામાં ફસાઇ ગયેલ ડીસીપી ગીથા જૌહરીને એકલા હાથે બચાવી બહાર કાઢયા હતા. આજે તો રાજયની પોલીસ કોઇ બંધારણીય હોદ્દા વગરના સાંસદોના પરિવારજનોને સલામ મારે છે.
સુરત -જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પરીક્ષાનો હાઉ
આજનું શિક્ષણ માત્ર પરીક્ષા કેન્દ્રી બન્યુ છે. જ્ઞાન, કેળવણી, આવડત, અનુભવ બધું જ બાજુ એ રહી જાય, આ પરીક્ષા પધ્ધતિનાં કારણેજ 35% ગુણ મેળવનાર વિદ્યાર્થીને ઉપર ચડાવી દેવામાં આવે છે. બાકીનું 65% અજ્ઞાન ચાલી જાય. પરંતુ આપણે તો તેને લાયકાત ગણીએ છીએ. આ પરીક્ષા એ તો જીવનલક્ષી દૃષ્ટિકોણ, નૈતિક હિંમત, ને આત્મવિશ્વાસ વગરનો માણસ પેદા કર્યા છે. વિદ્યાર્થી પોતે જ પોતાની પરીક્ષા લઈ આંતરદર્શન કરી શકે એવો સમય હવે ક્યાં ! ? માર્ચ મહિનો શરૂ થાય ને બોર્ડની પરીક્ષા શરૂ થાય, વિદ્યાર્થીઓ જાણે અભિમન્યુનો કોઠો ભેદવા જતા હોય તેમ, વિદ્યાર્થી, વાલી, શિક્ષક, સ્કૂલ બધાને જ ચિંતા પણ એ ચિંતાનો ઉપાય કોઈની પાસે નથી. !
બામણિયા – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.