સુરત : વડોદ (Vadod) ખાતે આવેલા પેલેડિયમ ઈન્ફ્રા પ્રોજેક્ટમાં (Project) જે લોકો ફ્લેટ લેશે તે ભેરવાશે. કારણ કે આ પ્રોજેકટમાં લિફ્ટ (Lift) તૂટી પડતાં બે કારીગરની મોતની (Death) ઘટના બાદ મહાપાલિકાએ પ્રોજેક્ટની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે. સાથે સાથે આ પ્રોજેક્ટના ડેવલપર અને આર્કિટેક્ટ જય નાયકનું લાયસન્સ સ્થગિત કરી દીધું છે. ઉપરાંત મહાપાલિકાએ સાઈટ સુપરવાઈઝર જેનીશ પટેલનું પણ લાયસન્સ સ્થગિત કરી દીધું છે. જેને કારણે હવે પ્રોજેક્ટ ફરી ક્યારે શરૂ થાય તે નક્કી નથી. બીજી તરફ પાંડેસરા પોલીસ આ પ્રોજેકટમાં બે કારીગરોની લાશો પર ગીધની જેમ પોતાના રોટલા શેકી રહી છે. પાંડેસરા પોલીસ પાસે આ પ્રોજેકટમાં થયેલી કરૂણાંતિકામાં જવાબદાર ઝુલુ બદામી તેમજ જય નાયક સહિતના નામો હોવા છતાં પણ તે આ બંને માલેતુજારોને છાવરી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ મામલામાં જે રીતે ચુપકિદી રાખી રહ્યા છે તે આશંકા સર્જી રહી છે. સુરતમાં કોઈ પણ મોટી ઘટના બને અને તેની પર પોલીસ પોતાનો ‘ખેલ’ પાડી નહીં લે તો જ નવાઈ હોય. પેલેડિયમ ઈન્ફ્રા પ્રોજેક્ટમાં બે-બે કારીગરોના મોત છતાં પણ પાંડેસરા પોલીસને આ મોતને મલાજો જાળવવાની પડી નથી.
જ્યારે ઘટના બની ત્યારે પાંડેસરા પોલીસે દેખાવ ખાતર ગુનો નોંધીને સુપરવાઈઝર સહિત ચારની ધૅપકડ કરી હતી પરંતુ જે આ ઘટના માટે જવાબદાર છે તેવા ઝુલુ બદામી અને જય નાયકને પોલીસ દ્વારા સતત બચાવવામાં આવી રહ્યા છે. આ બંને માલેતુજારો અને બેજવાબદારો સરેઆમ સુરતમાં ફરી રહ્યા હોવા છતાં પણ પોલીસ દ્વારા આ બંનેને હાથ લગાડવામાં આવતો નથી. જે પોલીસની મેલી મથરાવટી બતાવી રહ્યું છે. પોલીસ આ પ્રકરણમાં સોદાબાજી કરી રહી છે. માર્વેલા ગ્રુપના આ પ્રોજેક્ટમાં અનેક ભાગીદારો છે પરંતુ પોલીસે માત્ર જય નાયક અને ઝુલુ બદામી સામે જ ગુનો નોંધ્યો છે અને તે પણ માત્ર નોંધવા ખાતર. હકીકતમાં પાંડેસરા પોલીસ આ બંને બેજવાબદાર માલેતુજારોને બચવા માટે સેફ પેસેજ આપી રહી છે. આ બંને દ્વારા આગોતરા જામીન લેવામાં આવે તે માટે ખુદ પોલીસે તે બંનેની સાથે સેટિંગ કરી લીધું હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે. આ પ્રકરણમાં હવે ખુદ પો.કમિ. તોમર દ્વારા ધ્યાન આપવામાં આવે તો જ બે મજૂરોના મોતના જવાબદારો પકડાશે. પાંડેસરા પોલીસ તો આ પ્રોજેક્ટ ઉભો કરનાર માર્વેલા ગ્રુપના અન્ય ભાગીદારોને બચાવી લેવા માટે જ મથી રહી છે.