SURAT

સુરતમાં બસ ચાલકની ભૂલના લીધે બે બહેનોના એકના એક ભાઈનું મોત

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં કરૂણ ઘટના બની છે. અહીં એક વિદ્યાર્થી બસમાં ચઢવા ગયો અને ચાલકે બસ પૂરઝડપે હંકારી મુકતા વિદ્યાર્થી નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું છે. આ અંગે નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 17 વર્ષીય વિશન વિજયરાજ મોર્યા પાંડેસરામાં રહે છે. તેના પિતા સંચા ખાતામાં કારીગર છે. વિશનને બે બહેનો છે. ધોરણ 12માં ભણતો વિશન ટ્યૂશનથી ઘરે જવા માટે પાંડેસરાના તેરે નામ રોડ પરથી પસાર થતી બસમાં ચઢી રહ્યો હતો ત્યારે બસના ચાલકે પૂરઝડપે બસ હંકારી મુકી હતી, જેના લીધે તે નીચે પટકાયો હતો. તેના લીધે તેને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના પગલે બસ ચાલક ઘટના સ્થળ છોડી ભાગી છૂટ્યો હતો. નવી સિવિલમાં સારવાર માટે વિશનને ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. વિશનના પરિવારજનો તેના મૃત્યુના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યા છે. નવી સિવિલના પોસ્ટમોર્ટમ વિભાગ પાસે ભેગા થયેલા પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું કે, જ્યાં સુધી બસ ડ્રાઈવરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે વિશનનો મૃતદેહ ઉઠાવવામાં આવશે. નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

પાંડેસરાના ઈન્દીરાનગરમાં રહેતો વિશન અભ્યાસમાં ખૂબ હોંશિયાર હોવાનું તેના મિત્રોએ જણાવ્યું હતું. ધોરણ 10માં વિશન 80 ટકા માર્ક્સ સાથે પાસ થયો હતો. મૂળ ઉત્તરપ્રદેશના વતની વિશનના પિતા વિજયરાજ લુમ્સના કારખાનામાં તનતોડ મહેનત કરી વિશનને ભણાવતા હતા. તે સ્થાનિક વિસ્તારની દેવકીનંદન શાળામાં ધોરણ 12માં કોમર્સમાં ભણતો હતો. પાંડેસરાના સુખીનગરમાં આવેલા ટ્યૂશન ક્લાસીસમાંથી મંગળવારે રાત્રે 8.30 કલાકે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેરેનામ ચોકડી પાસે સિટી બસમાં ચઢવા જતી વખતે નીચે પટકાયો હતો અને શરીરમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન બુધવારે સવારે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત મોતનો ગુનો નોંધી પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેકોવાર સુરતમાં દોડતી બસ દ્વારા અકસ્માત સર્જવાના કિસ્સા બન્યા છે. ગયા મહિને રિંગરોડ પર બસ ચાલકે અડફેટે લેતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. આવી અનેક ઘટનાઓ બનવા છતાં સુરતના તંત્ર દ્વારા બેફામ બસ દોડાવતા ચાલકો સામે કોઈ કાર્યવાહી થતી નહીં હોઈ લોકોમાં રોષ છે.

Most Popular

To Top