રાજપીપળા: રાજપીપળા (Rajpipla) ખાતે ભાજપ (BJP) સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા (Narmada) જિલ્લા ભાજપ (BJP) કિસાન મોરચા આયોજિત નમો ખેડૂત પંચાયત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ ભાજપના કાર્યકરોને ટકોર કરતા જણાવ્યું હતું કે, માત્ર હા..હા..હી..હી… કરવાથી પક્ષ નહીં ચાલે કામગીરી પણ કરવી પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે કેટલાક નેતાઓ સાઠગાંઠ કરે છે, એવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે, કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લેવાય.
- માત્ર હા..હા..હી..હી… કરવાથી પક્ષ નહીં ચાલે, કામગીરી પણ કરવી પડશે: મનસુખ વસાવાની કાર્યકરોને ટકોર
- નર્મદા જિલ્લા ભાજપ કિસાન મોરચા નમો ખેડૂત પંચાયત કાર્યક્રમ યોજાયો
રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં નમો ખેડૂત પંચાયત યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, મહામંત્રી વિક્રમ તડવી, ભાજપ કિસાન મોરચા પ્રમુખ નિકુંજ પટેલ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આપણા વિસ્તારમાં ઘણા લોકો એવા છે જે બિલ્ડર લોબી સાથે મળીને જમીનની દલાલી કરે છે, જેમાં તલાટી-મામલતદારથી લઈને ગાંધીનગર સુધીની મોટી લિંક કામ કરે છે. કોંગ્રેસના લોકો ભેગું કરવામાં જ ઘરે ગયા, જો આપણા લોકો ભેગું કરવામાં રહ્યા તો પ્રજા ઘરે મોકલી દેશે. સરકાર ખેડૂતોની જમીન લે એનું વળતર પહોંચાડવાની જવાબદારી આપણી છે. નરેન્દ્ર ભાઈનું નામ હોઈ તો પારદર્શક વહીવટ હોવો જોઈએ.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ જેમણે જમીનો ગુમાવી એમને જો યોગ્ય વળતર ન મળતું હોય તો આપણે બોલવું જ પડે. નર્મદા જિલ્લામાં બિલ્ડર લોબીએ અધિકારીઓ સાથે મળી 73(AA)નો ભંગ કરી નિયમો નેવે મૂકી જમીનો રાખી છે, મોટાં મોટાં માથાં આમાં સંડોવાયેલાં છે. હું વિકાસમાં માનું છું, પણ નિયમોનું પણ પાલન થવું જોઈએ, જો નિયમોનું પાલન નહીં થાય તો ખેડૂત મટી જશે, એમને મજૂરી પણ નહીં મળે. દહેજ વિસ્તારમાં મોટા મોટા ઉદ્યોગોમાં જેની જમીનો ગઈ છે એમને અત્યારે મજૂરી પણ મળતી નથી.