માનવી જયારે બર્બર અવસ્થામાં હતો ત્યારે નરમાંસ ખાવાની પ્રથા પણ એના કહેવાતા સમાજમાં સ્વીકૃત હતી. સ્ત્રી પર આધિપત્ય કબીલાના હર કોઇ પુરુષનું રહેતું પણ એક કાળ એવો હતો કે જ્યારે કબીલામાં પુરુષની સંખ્યા ઘટી જાય ત્યારે સ્ત્રીઓ પુરુષને પ્રાપ્ત કરવા લડતી પણ જયારે માનવીમાં સુસભ્યતા આવી અને તેનામાં સાંસ્કૃતિક વિકાસ થયો, અદ્ભુત શિલ્પ સ્થાપત્ય રચવા માંડયો અને તેની રહેણીકરણી પણ સંસ્કૃતિ ગણાવા માંડી.
તેમાંની એક હતી રોમન સંસ્કૃતિ. રોમન લોકો અલબત્ત યુદ્ધખોર હતા અને સામ્રાજયવાદી હતા પણ કળા – વિજ્ઞાનના પ્રોત્સાહક હતા પણ ક્રૂરતા તેમની સંસ્કૃતિનો એક ભાગ હતો તે આશ્ચર્યજનક નથી?! મોતની સજા આપવાની એ પ્રજાની રીત એ હતી કે ગુનેગારને જે ગુનાસર મોતની સજા થઇ હોય તે જોઇને અન્યો કાંપી ઊઠે. બળવાખોરો, ચાંચિયાઓ અને રાજયના ગદ્દારોને લાકડાના ક્રોસ પર હાથપગમાં ખીલા ઠોકી મૃત્યુપર્યંત લટકાવી રાખવામાં આવતા હતા. આવી સજા ભોગવવામાં ઇસુ ખ્રિસ્તનું નામ ગણનાપાત્ર છે પણ ઇ.સ. પૂર્વે 70 માં ક્રેસસે 6000 ગુલામો પકડયા અને સિસિલીથી રોમ સુધીના રસ્તે એ તમામને ક્રોસ પર ચડાવવાનો સેનેટે હુકમ કર્યો!
રોમમાં પ્રજાસત્તાકની સ્થાપના થઇ ત્યારે રોમના છેલ્લા રાજાને તાપીર્યન ડુંગર પરથી ગબડાવી મોતની સજા આપવામાં આવી હતી. આમ તો રાજયના દુશ્મનો માટે આ સજા અનામત રાખવામાં આવી હતી. સુલ્લા નામના રાજા તો રોજ સવારે લોકોના નામની યાદી તૈયાર કરાવતા અને તેમને બળવાખોર જાહેર કરી પહાડ પરથી ગબડાવતા.સૈનિકોમાં બળવાખોરીને ડામવા માટે શકમંદને પકડવા લાકડીઓનો ઉપયોગ થતો.
10 સૈનિકોને લાકડીઓ આપવામાં આવતી તેમાંથી એક સૈનિકની લાકડી ટૂંકી હોય. આ સૈનિક પોતાની પાસે ટૂંકી લાકડી હોવાનું જાણી ગભરાઇ ઊઠતો અને તેણે કબૂલાત કરી છે એમ ગણી 9 સૈનિકો તેને લાકડી મારી મારીને પૂરો કરતા. પરાજિત રાજાની પ્રજાને સામૂહિક રીતે સાફ કરવાની વૃત્તિ – પ્રવૃત્તિ સામાન્ય રહેતી અને એક દિવસમાં સેંકડો પુરુષોને મારી તેમના ઘરમાંથી સ્ત્રીઓને પકડી તેમના પર બળાત્કાર કરાતો અને પછી કયાં તો ગુલામ બનાવતા કે મારી નાંખવામાં આવતા હતા. જુલિયસ સીઝરે પણ ગોલિક યુદ્ધ સાથે ઘણા કબીલાઓનું નિકંદન કાઢયું હતું. 10 લાખ લોકોને ગુલામ બનાવાયા હતા. 30 લાખ લોકો યુદ્ધ અથવા દુકાળમાં મરી ગયા હતા.
ગુલામોને એરેનામાં રાખી તેના પર ભૂખ્યા સિંહને છોડી મૂકવામાં આવતો અને સિંહ જીવતા માણસને નિરાંતે ખાય તે જોઇને રોમનોને અત્યંત આનંદ આવતો. ગ્લેડિએટરને લડાવી રકતપાત થતો જોવામાં તેમનો જોટો નહીં મળે. રોમનો ગુલામોને માનવી તો નહોતા સમજતા બલકે જાનવર પણ ગણતા નહોતા. શિરચ્છેદ સામાન્ય હતા. ગુલામોને ચલણ તરીકે પણ વાપરવામાં આવતા અને શાહુકારોને વ્યાજ કે મુદ્દલ પેટે ચૂકવણી કરવામાં ગુલામો આપવામાં આવતા. લૂંટારુઓ ગુલામો લૂંટી પલાયન થઇ જતા. જહાજો ચલાવવા માટે ગુલામો હલેસાં મારતા અને કોઇ મરી જાય તો દરિયામાં ફેંકી દેવાતો. ઇતિહાસમાં ગુલામ પ્રથાનો રોમન સામ્રાજય જેવો જોટો નથી મળતો. યુગ બદલાય છે, ક્રૂરતાનું રૂપ બદલાયું હશે, માનવીની ક્રૂરતાની વૃત્તિ હજી એક યા બીજા સ્વરૂપે હયાત છે. આપણે સંસ્કૃત સમાજ છીએ.
નરેન્દ્ર જોશી