SURAT

દિવાળી પહેલાં સુરતના રત્નકલાકારોએ આવી માંગણી કરીને કારખાનેદારોનું ટેન્શન વધારી દીધું

સુરત (Surat) : ગુજરાતમાં (Gujarat) હાલમાં આંદોલન (Protest) અને હડતાળનો વાયરો ફૂંકાયો છે. વિધાનસભાની ચૂંટણી (Assembly Election) જાહેર થવાની શક્યતાના પગલે સરકારી કર્મચારીઓ પડતર માંગણીના ઉકેલ માટે ઉગ્ર બન્યા છે. ગાંધીનગરથી લઈ વલસાડ સુધી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, તો બીજી તરફ સુરતમાં રત્નકલાકારોએ (Ratnakalakar) પણ લડાઈ ઉપાડી છે. દિવાળી આવી રહી છે ત્યારે સુરતના રત્નકલાકારોએ (Diamond Workers) આજે સુરત જિલ્લા કલેક્ટરને (Surat District Collector) આવેદનપત્ર સોંપીને દિવાળી બોનસ, મજદૂર કાયદાના લાભો તેમજ વ્યવસાયવેરા નાબૂદી જેવી માંગણી કરી હતી. ડાયમંડ વર્કર્સ એસોસિએશનના નેજા હેઠળ રત્નકલાકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સોંપી માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણી પહેલાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

આજે સવારે 11 કલાકે ડાયમંડ વર્કર્સ યુનિયનના હોદ્દેદારો સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી જઈને આવેદનપત્ર સોંપ્યું હતું. ત્યાર બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપપ્રમુખ ઉમેશ ટાંકે જણાવ્યું કે, હીરાને ચમકાવતા રત્નકલાકારોની જીંદગીમાં અંધકાર છે. ડાયમંડ કંપનીઓ દ્વારા રત્નકલાકારોને મજદૂર કાયદાના લાભો આપવામાં આવી રહ્યાં નથી. ઉપરથી વ્યવસાયવેરા પેટા મોટી રકમ કાપી લેવામાં આવે છે. દિવાળીમાં રત્નકલાકારોને પૂરતું બોનસ પણ આપવામાં આવી રહ્યું નથી. અમારી માંગણી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોને ન્યાય મળે. તેઓને દિવાળીમાં પૂરતું બોનસ મળે, વ્યવસાયવેરો નાબૂદ થાય તેમજ મજદૂર કાયદાના લાભો મળે.

બોટ્સવાનામાં રત્નકલાકારોને લઈ જવા સામે વિરોધ
ડીટીસી રફ હીરાની સાઈટ દ્વારા બોટ્સવાના સરકાર સાથે એવા કરાર કરાયા છે કે જો તેઓએ બોટ્સવાનાની ખાણોમાંથી રફ લેવી હોય તો બોટ્સવાનામાં હીરાના કારખાના શરૂ કરવા પડશે. તેની અસર ભારતીય ખાસ કરીને સુરતના હીરા ઉત્પાદકો પર પડી છે. ડીટીસીએ આ શરતનું પાલન કરવાની જવાબદારી હીરાના સાઈટ હોલ્ડર કારખાનેદારો પર ઢોળી દેતા સુરતના કેટલાંક હીરાવાળા હવે બોટ્સવાનામાં કારખાના શરૂ કરી રહ્યાં છે. ત્યાંના લોકોને હીરા ઘસતા નહીં આવડતું હોય સુરતના રત્નકલાકારોને ત્યાં લઈ જવામાં આવી રહ્યાં છે. હીરા ચમકાવવાનું કૌશલ્ય માત્ર સુરતના કારીગરો પાસે છે, તે અન્ય દેશને આપવું એ હીરાઉદ્યોગ પર જોખમ છે. આ કૃત્ય બંધ કરવાની માંગણી ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા કરાઈ છે.

Most Popular

To Top