Madhya Gujarat

આણંદની હોટલમાં યુવકે આપઘાત કર્યો

આણંદ : આણંદ શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી એક હોટલમાં શુક્રવાર રાત્રિના સમયે રોકાયેલા ખંભાતના 38 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ આપઘાત કરતાં પહેલા તેણે તેના સાળાને ફોન કર્યો હતો. પરંતુ સાળાએ રિસિવ ન કરતાં તેમે મેસેજ મોકલી પોતે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાથી તેના પરિવારજનોમાં ભારે શોકની લાગણી જન્મી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા કોશીષ કરી રહી છે.

ખંભાતના મેતપુર રોડ પર વેલી સત્યનારાયણ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર નગીનભાઈ ખારવા (ઉ.વ.38) રૂની દિવેટોનું વેચવાનું કામ કરે છે. તેઓ વ્યવસાય અર્થે આણંદ, મુંબઇ સહિતના શહેરોમાં સતત અવર જવર રહેતી હોય છે. તેમાંય મુંબઇથી પરત આવતા વહેલું મોડું થતાં અવાર નવાર આણંદના ગેસ્ટ હાઉસમાં રોકાઇ જતો હતો. દરમિયાનમાં ગુરૂવારના રોજ સવારે ઘરેથી વ્યવસાય અર્થે નિકળ્યો હતો. બાદમાં તે આણંદની સૂર્યા હોટલની બાજુમાં આવેલી બાપાશ ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો.

ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા શુક્રવાર સવારે અવાર નવાર રૂમનું બારણું ખખડાવવા છતાં બારણું જીતેન્દ્રએ ખોલ્યું નહતું. આથી, બારણું તોડી અંદર જોતાં જીતેન્દ્રએ ગળેફાંસો ખાઇ પંખા સાથે લટકતો હતો. આ દ્રશ્ય જોઇ હોટલના સંચાલકો પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે જીતેન્દ્રના પરિવારને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

તપાસ દરમિયાન જીતેન્દ્રએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જણાતાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના આપઘાતનું કારણ જાણવા પ્રયત્ન હાથ ધર્યો છે. જેમાં પરિવારજનોની પુછપરછ કરી હતી. પરંતુ ખાસ કોઇ કડી મળી નહતી. પરંતુ આ અગાઉ પણ તેણે આપઘાત અંગે ધમકી આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીતેન્દ્રના દસેક વર્ષ પહેલા સમુહલગ્નમાં અલ્પાબહેન સાથે લગ્ન થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને છ વર્ષિય પુત્ર પ્રિયાંસનો પણ જન્મ થયો હતો. આપઘાત કરતાં પહેલા તેણે તેના સાળાને મોડી રાત્રે 2.40 વાગ્યે ફોન કર્યો હતો. પરંતુ તેણે રિસિવ ન કરતાં મેસેજ મુકી આપઘાત કરી લીધો હતો. આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું, તેનું સાચું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાથી પરિવારજનો પણ શોકમગ્ન થઇ ગયાં હતાં.

જીતેન્દ્ર બેગમાં દોરી સાથે રાખતો હતો અને મરી જવાની ધમકી આપતો હતો
ખંભાતનો જીતેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો. તે અવાર નવાર તેના પત્ની અને સાળાને મરી જવાની ધમકી આપતો હતો. તેમાંય શેરડી ખાતેથી પણ ફોન કરી હું મરી જઇશ. તેવી ધમકી આપી હતી. જોકે, અવાર નવાર ધમકી આપતો હોવાથી પરિવારજનો પણ વાતને હળવાશથી લેવા લાગ્યાં હતાં. આ ઉપરાંત તે છેલ્લા કેટલાક સમયથી તેની બેગમાં દોરી પણ સાથે રાખતો હતો.

સાળાના મોબાઇલ પર આપઘાત કરતાં પહેલા વિડિયો મેસેજ કર્યા હતા
જીતેન્દ્રએ આપઘાત કરતાં પહેલા સાળા હેમંતને અવાર નવાર ફોન કરીને મરી જવાની ધમકી આપતો હતો. વારંવાર ધમકી આપતા પરિવારે પણ વાતને ગણકારતા નહતા. બીજી તરફ ઘટનાની રાત્રિના 2.40 કલાકે હેમંતને ફોન કર્યો હતો અને હું રાજીખુશીથી મરી જાઉં છું. તેમ કહેતા સાળા હેમંતે પણ આપઘાત ન કરવા માટે સમજાવ્યો હતો. બાદમાં ફોન કરતા ફોન ઉપાડ્યો નહતો. આખરે સાળાના મોબાઇલ પર આપઘાત પૂર્વે વિડીયો મેસેજ મોકલ્યાં હતાં.

Most Popular

To Top