SURAT

સુરત: મરતાં પહેલાં હત્યારાનું નામ કહ્યું પણ લિંબાયત પોલીસની આ ભૂલના લીધે આરોપી નિર્દોષ છૂટ્યો

સુરત(Surat) : હત્યાના (Murder) ગુનામાં (Crime) ડાઈંગ ડેકલેરેશન (Dyeing Declaration ) ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે, પરંતુ સુરતની કોર્ટમાં (Court) આજે એક કેસમાં ઐતિહાસિક ચૂકાદો (Verdict) સાંભળવા મળ્યો. હત્યાના કેસમાં મરનારનું ડાઈંગ ડેકલરેશન હોવા છતાં કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરાયો છે. આરોપી તરફના વકીલો દ્વારા જે દલીલો અને પુરાવા રજૂ કરાયા હતા તેને ધ્યાને લઈ કોર્ટે આરોપીને નિર્દોષ મુક્ત કર્યો છે.

  • ગોડાદરાના ધ્રુવ લાકડાવાળાના હત્યા કેસમાં આરોપી અમૃત દેસાઈ નિર્દોષ મુક્ત
  • મરનાર ધ્રુવ લાકડાવાલાએ પત્ની અને મેજિસ્ટ્રેટ સમક્ષ ડાઈંગ ડેકલરેશનમાં અમૃત દેસાઈએ ચપ્પુ માર્યાની જુબાની આપી હતી
  • ડાઈંગ ડેકલરેશન આપ્યા બાદ ધ્રુવ 11 દિવસ જીવતો રહ્યો હોવા છતાં લિંબાયત પોલીસે તેનું સ્ટેટમેન્ટ લીધું નહોતું

ગારમેન્ટના ભાગીદારી ધંધાની હિસાબી તકરારમાં ગંભીર ઇજા પામનારનું ડાઇંગ ડેક્લેરેશન હોવા છતાં તેના ખૂનના આરોપી ભાગીદારને કોર્ટે નિર્દોષ છોડી મુક્યો હતો. પોલીસ રેકર્ડ મુજબ, ગોડાદરાની દેવીકૃપા સોસાયટીમાં રહેતા ધ્રુવ ઉર્ફે ધ્રુવિત ધર્મેશભાઇ લાકડાવાળા અને પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહેતા અમુ ઉર્ફે અમૃત અમથાભાઇ દેસાઇ વચ્ચે ગારમેન્ટના ધંધાની ભાગીદારીમાં હિસાબી તકરાર હતી. ધ્રુવ લોહીલુહાણ હાલતમાં ઘરે આવતાં હોસ્પિટલ જતી વખતે તેણે પત્નીને જણાવ્યું હતું કે, અમુએ તેને ચપ્પુના ઘા માર્યા છે.

લીંબાયત પોલીસને બનાવ નજરે જોનાર સાક્ષી મળેલા નહીં. પરંતુ કિરણ હોસ્પિટલમાં ધ્રુવે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને આપેલા ડાઇંગ ડેક્લેરેશનમાં ચપ્પુના ઘા મારનાર તરીકે અમુનું નામ જાહેર કર્યું હતું. સાંયોગિક આધારીત કેસનું તહોમત સાબિત કરવા પ્રોસિક્યુશને 28 સાક્ષીઓ તપાસ્યા હતા. તેમાં સ્મીમેર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓ અને ડાઇંગ ડેક્લેરેશન નોંધનાર એક્ઝીયુટીવ મેજીસ્ટ્રેટના પુરાવા લેવાયા હતા.

આ પુરાવાઓએ કેસની દિશા બદલી
કોર્ટ સમક્ષના પુરાવામાં ખુલ્યું હતું કે, મરનાર એસ.વાય. બી.કોમ ભણેલા હતા. પરંતુ ડાઇંગ ડેક્લેરેશનમાં અંગૂઠાનું નિશાન લેવાયું હતું, તેમાં મારનાર તરીકે કોઇ ‘રાયકા’ અટકધારીનો ઉલ્લેખ હતો જે આરોપીની અટક જ ન હતી તથા ડાઇંગ ડેક્લેરેશન હોસ્પિટલમાં લેવાયું હોવા છતાં તેની ઉપર ડૉક્ટરની કોઇ સહી યા નોંધ ન હતી. પોલીસ પંચનામા કરતાં ડાઇંગ ડેકલેરેશનમાં ગુનાનું સ્થળ અલગ હતું. ડાઇંગ ડેક્લેરેશન પછી ધ્રુવ 11 દિવસ સુધી જીવતો હોવા છતાં પોલીસે તેનું સ્ટેટમેન્ટ સુધ્ધાં લીધું ન હતું. આરોપી તરફે વકીલ રમેશ કાપડિયા અને વકીલ સમર્થ કાપડિયાની રજૂઆત ધ્યાનમાં લઇ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો

Most Popular

To Top