આંગણવાડી બહેનો અને ડીડીઓ વચ્ચે જામી પડી! – Gujaratmitra Daily Newspaper

Madhya Gujarat

આંગણવાડી બહેનો અને ડીડીઓ વચ્ચે જામી પડી!

આણંદ : આણંદ જિલ્લા પંચાયત ખાતે પડતર પ્રશ્ને આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ હલ્લાબોલ કર્યો હતો અને મુખ્ય દરવાજા પાસે જ બેસી ગયાં હતાં. આ સમયે ડીડીઓ આવતા તેમના માટે અંદર જવુ મુશ્કેલ બન્યું હતું. આથી, બહેનો સાથે થોડા સમય માટે ડીડીઓને તૂતૂ મેંમેં થઇ હતી. આખરે પાંચ બહેનોએ ડીડીઓને મળી રજુઆત કરી હતી. આણંદ જિલ્લાની તમામ આશા વર્કર અને ફેસીલેટર બહેનોએ પડતર માગણી સંદર્ભે ગુરૂવારના રોજ જિલ્લા પંચાયતમાં ભારે હોબાળો મચાવ્યો હતો. વ્હેલી સવારથી જ તેઓ પંચાયતના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ અડીંગો જમાવી બેસી ગયાં હતાં.

જેના કારણે ભારે અફડા તફડી મચી ગઈ હતી. દરમિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી મિલીન્દ બાપના આવતા તેઓ વાતાવરણ જોઇ ચોંકી ગયાં હતાં. હાલ મંત્રીના કાર્યક્રમો ચાલી રહ્યાં હોવાથી આ રીતે પંચાયતમાં ધસી આવી કાર્યક્રમ કરવા બદલ આશાવર્કર બહેનોનો ઉધડો લીધો હતો. જોકે, બાદમાં તેઓએ પડતર પ્રશ્નો સાંભળવા માટે પાંચ બહેનોને કેબીનમાં બોલાવી તેમનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. આ આવેદનપત્રમાં બહેનોે માગણી કરી હતી કે, છેલ્લા કેટલાક મહિનાથી બાકી પડતા પગાર અને 50 ટકાનો વધારો તાત્કાલિક ચુકવવા માગણી કરી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં પણ શોષણ કરવામાં કોઇ કમી રાખવામાં આવતી નથી.

અધિકારી અને પદાધિકારીના મસમોટા તોતિંગ પગાર સમયસર થઇ જતાં હોય છે, પરંતુ ગરીબ બહેનોને જ્યારે મહેનતાણું ચુકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે. આવી લાલીયાવાડી કોઇ પણ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના માધ્યમથી ઘણી બધી મફતની કામગીરી બહેનોને માથે થોપી દેવામાં આવી છે. આ મફતની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ નવેમ્બર,2021થી ઓગષ્ટ,2022 સુધીનો 50 ટકાનો વધારો ચુકવવાનું બાકી હોય તાત્કાલિક ચુકવવા માંગણી કરી છે.

આણંદની અર્બનની બહેનો તેમજ જિલ્લાની તમામ પીએચસી, સીએચસી પર કામ કરતા આશાવર્કર અને આશા ફેસીલેટેડ બહેનોને જૂન, જુલાઇ અને ઓગષ્ટનો બાકી પડતો પગાર તાત્કાલિક ચુકવવામાં આવે, 2020થી ટીબીનું મહેનતાણું ચુકવવામાં આવ્યું નથી. તો બાકી પડતું મહેનતાણું પણ તાત્કાલિક ધોરણે ચુકવવામાં આવે, સીબેકની કામગીરીનું મહેનતાણું પણ આજદિન સુધી ચુકવવામાં આવ્યું નથી. જેને તાત્કાલિક ધોરણે ચુકવવામાં આવે તેવી માગણી કરી હતી. સીબેકની કામગીરીનું મહેનતાણું પણ આજ દિન સુધી ચુકવ્યું થી. વગર મહેનતાણાની કામગીરી કરવા દબાણ કરવામાં આવે નહીં. તેવી માગણી કરી હતી.

Most Popular

To Top