ખેડા: ખેડા શહેરની શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં રઢું ગામના ૨૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ છેલ્લાં ઘણાં સમયથી બસોની અનિયમીતતાને કારણે સમયસર શાળા-કોલેજ પહોંચી શકતાં ન હતાં. આ મામલે તંત્ર સમક્ષ અનેકવારની રજુઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતાં આખરે રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ બસ રોકો આંદોલન કર્યુ હતું.
સલામત, સ્વચ્છ અને સમયબધ્ધ….આ વાક્ય ગુજરાત એસ.ટી વિભાગની તમામ બસ પાછળ લખેલું જોવા મળે છે. પરંતુ, નડિયાદ એસ.ટી વિભાગના અણઆવડત ધરાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ બસોને યોગ્ય રૂટ પર યોગ્ય સમયે દોડાવવામાં આડોડાઈ કરી રહ્યાં છે.
પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આવી મુશ્કેલીનો સામનો ખેડા તાલુકાના રઢું ગામના ૨૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ છેલ્લાં ઘણાં મહિનાઓથી કરી રહ્યાં છે. શાળા, કોલેજ તેમજ આઈટીઆઈ કરવા માટે ખેડા ગામની મુસાફરી કરતાં આવા વિદ્યાર્થીઓને સમયસર બસ મળતી નથી. જેને પગલે એસટી બસના પાસ કઢાવ્યા હોવા છતાં વિદ્યાર્થીઓને રૂપિયા ખર્ચી ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરી, શાળા-કોલેજમાં જવું પડતું હોય છે. આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત ગામના કેટલાક જાગૃત નાગરીકો દ્વારા એસ.ટી ડેપો મેનેજર ઉપરાંત વિભાગીય નિયામકને લેખિત તેમજ મૌખિત રજુઆતો કરવામાં આવી છે.
પરંતુ તેમના દ્વારા આ રજુઆતો ધ્યાને લેવામાં આવતી ન હતી. જેને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ મામલે એક મિટીંગ યોજી હતી. જેમાં બુધવારના રોજ બસ રોકો આંદોલન કરવાનું નક્કી થયું હતું. જે મુજબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સવારે બસમથકે પહોંચ્યાં હતાં. તે વખતે પણ બસ સમયસર ન આવતાં રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓ-વાલીઓના ટોળાંએ ખેડાથી સૌરાષ્ટ્ર તરફ જતી અને સૌરાષ્ટ્ર થી ખેડા તરફ આવતી ૧૦ થી વધુ બસો રોકી હતી. વિદ્યાર્થીઓ દ્વારા લગભગ એકાદ કલાક સુધી બસો રોકી રખાઇ હતી.
મામલતદારે બાંહેધરી આપતાં બસ રોકો આંદોલન સમેટાયું
છેલ્લાં ઘણાં મહિનાઓથી એસ.ટી બસના ધાંધીયાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં રઢું ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓએ બુધવારના રોજ બસો રોકી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગેની જાણ ખેડા મામલતદારને જાણ થતાં, તેઓએ એસટી બસના પ્રશ્નના નિકાલ માટે વિદ્યાર્થીઓને બાંહેધરી આપી હતી. સાથે સાથે ખેડા એસટી ડેપોના અધિકારીને તાત્કાલિક રઢુ ગામે મોકલીને વિદ્યાર્થીઓના પ્રશ્નનો ઝડપી નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત થયો હતો અને બસ રોકો આંદોલન સમેટાયું હતું. એસ.ટી તંત્રના વાંકે બુધવારે વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં જઈ શક્યાં ન હતાં.
શાળાએ મોડા પહોંચીએ તો શિક્ષકોનો ઠપકો સાંભળવો પડે છે : વિદ્યાર્થીઓ
આ મામલે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, વારસંગ-નડિયાદ રૂટની એક બસ સવારે 6.15 કલાકે વારસંગથી ઉપડે છે. જે બસને રઢુ આવતાં ૧૦ થી ૧૫ મિનિટ લાગે છે. શાળાનો સમય સવારે ૭ વાગ્યાનો હોવાથી તમામ વિદ્યાર્થીઓ માટે આ બસ અનુકુળ હતી. પરંતુ એસટી તંત્રની ઘોર બેદરકારીને કારણે છેલ્લાં ઘણાં સમયથી આ બસ સમય કરતાં મોડી આવતી હતી. તેમજ ધોળકા-ગળતેશ્વર રૂટની બસ પણ ક્યારેય સમયસર આવતી નથી. જેને કારણે વિદ્યાર્થીઓ શાળા શરૂ થયાંના ૩૦ થી ૫૦ મિનીટ બાદ પહોંચે છે. શાળામાં મોડા પહોંચવાથી વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકોનો ઠપકો સાંભળવો પડી રહ્યો છે અને ભણતર પણ બગડી રહ્યું છે.
પાસ હોવા છતાં, વિદ્યાર્થીઓ રૂપિયા ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર
ખેડાની શાળા તેમજ કોલેજમાં અભ્યાસ કરતાં રઢુ ગામના ૨૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓએ દૈનિક અવરજવર માટે એસ.ટી બસનો પાસ કઢાવ્યો છે. જે માટે તમામ વિદ્યાર્થીઓ મહિનાના પાસની રકમ પહેલેથી જ એસ.ટી વિભાગમાં જમા કરાવી દીધી છે. પરંતુ, તંત્ર દ્વારા શાળા-કોલેજ શરૂ થવા તેમજ છુટવાના સમયે નિયમીત બસો દોડાવવામાં આવતી નથી. જેને પગલે વિદ્યાર્થીઓને નાછુટકે ખાનગી વાહનોમાં દરરોજ ૫૦ થી ૮૦ રૂપિયા ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવા પડી રહી છે.