ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારંભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દ્વારા વર્ચ્યુઅલી કુલ રૂ. ૧૧૭૯ કરોડના ખર્ચે કુલ ૫૧૯ જનહિતલક્ષી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત, સામાન્ય વહીવટ, ગ્રામ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળસંપત્તિ, શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિતા, પાણી પુરવઠા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ તથા માર્ગ અને મકાન વિભાગના રૂા. ૩૯૪ કરોડના ખર્ચે ૨૦૯ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા રૂા. ૭૮૫ કરોડના ખર્ચે ૩૧૦ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પૈકી ગાંધીનગર સંસદીય વિસ્તારમાં રૂા. ૩૪૬ કરોડના ખર્ચે ૧૭૦ જેટલા વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. શાહે કહયું હતું કે ભૂપેન્દ્ર પટેલે આક્ષોપોના વળતા જવાબો આપવાના બદલે મૌન રહીને કામથી નક્કર જવાબ આપી સાબિત કરી દીધુ છે કે બોલ્યા વિના કામ કરવાની તાકાત કેટલી મોટી હોય છે. ગુજરાતના સર્વાગી વિકાસના કારણે વિરોધીઓના મોં સિવાઈ ગયા છે.
ગુજરાતે છેલ્લા એક વર્ષમાં મેળવેલી સિદ્ધઓ વિશે શાહે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં નીતિ આયોગના હર ઘર જલ, પીએમ-જય અને ગ્રામીણ વિકાસ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ છે. વૈશ્વિક ટકાઉ સૂચકાંકમાં સ્વાસ્થ્ય અને ઉદ્યોગમાં પ્રથમ ક્રમે, જ્યારે ઊર્જા-જળવાયુમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં પ્રથમ ક્રમે રહ્યું છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત રાજ્ય ૩૦ ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે. ગુજરાતના છેલ્લા ૧૦ વર્ષમાં ૮.૨ ટકાના વિકાસ દરથી વૃદ્ધિ કરી છે. કોરોના મહામારીમાંથી વિશ્વ ઊભું પણ થયું નહોતું તેવામાં ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકારે છેલ્લા એક વર્ષમાં આ વૃદ્ધિ દરને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં છેલ્લા ૮ વર્ષોમાં ૩૧.૩ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે, જેમાંથી માત્ર ૫૭ ટકા એટલે કે ૧૭.૭ લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ માત્ર ગુજરાતમાંથી જ આવ્યું છે.
ગુજરાતે આજે સેમીકંડક્ટરના નિર્માણક્ષેત્રે અંદાજે ૧.૪૦ લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે, જે ૧ લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડશે. ગુજરાતમાં આજે ૯૮ ટકાથી વધારે ઘરોમાં નળથી જળ મળે છે, જે પૈકી ૧૨ જિલ્લાના ૧૨૩ તાલુકા અને ૧૪,૪૭૭ ગામોમાં સો ટકા ઘરોમાં નલ સેજલ યોજના અંતર્ગત નળથી જળ મળે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેણે નાર્કોટિક્સ વિરુદ્ધનું અભિયાન વધુ તેજ કર્યું છે અને લાખો કરોડો રૂપિયાનું ડ્રગ ઝડપીને નશાનો કારોબારને અટકાવ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ નાર્કોટિક્સ ડ્રગ્સ પકડનારું રાજ્ય ગુજરાત છે.
રાજ્યમાં ર૦ વર્ષનો વિકાસ પ્રજાના ર૦ વર્ષથી અવિરત વિશ્વાસ અને પીએમ મોદી નેતૃત્વનું પરિણામ છે: ભૂપેન્દ્ર પટેલ
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનો ૨૦ વર્ષનો વિકાસ અને ગુજરાતીઓનો સરકાર પરનો ૨૦ વર્ષથી અવિરત વિશ્વાસ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વને આભારી છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં નંખાયેલા વિકાસના મજબુત પાયાને પરિણામે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. પટેલે વધુમાં કહ્યું કે ૨૦ વર્ષના સમયગાળામાં ગુજરાતનો જે વિકાસ થયો, લોકોનો ઉત્કર્ષ થયો તે બેજોડ છે. આ ૨૦ વર્ષમાં ગુજરાતે અનેક સિદ્ધિઓ મેળવી છે, અપાર ઉપલબ્ધિઓ મેળવી, અખૂટ વિકાસ કર્યો છે તો સરકારે જનતાનો અતૂટ વિશ્વાસ સંપાદિત કર્યો છે. ગુજરાતના આ ૨૦ વર્ષ પ્રાયોરિટી, પોલિસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. રાજય સરકારે જન કલ્યાણ અને વિકાસના કામોને હંમેશા પ્રાથમિકતા આપી છે, ગુજરાતને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે, તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક માનાંક અને સૂચકાંકોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે.