બેંગલુરુ : અનુભવી ભારતીય હોકી ગોલકીપર પીઆર શ્રીજેશને લાગે છે કે સ્પેન સામેની એફઆઇએચ પ્રો લીગની શરૂઆતની બે મેચો આવતા વર્ષની શરૂઆતમાં ભુવનેશ્વર અને રાઉરકેલામાં વર્લ્ડકપ પહેલાની મોક ટેસ્ટ હશે જેમાં ટીમને પોતાની જાતને પારખવાની તક મળશે. ભારત આવતા વર્ષે 13 થી 29 જાન્યુઆરી દરમિયાન પુરૂષ વર્લ્ડકપની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રતિષ્ઠિત ઈવેન્ટ પહેલા, ભારત ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે આગામી એફઆઇએચ પ્રો લીગ 2022-23ની તેમની પ્રથમ મેચમાં 30 ઓક્ટોબર અને 6 નવેમ્બરે વિશ્વમાં 8મી ક્રમાંકિત સ્પેનની યજમાની કરશે.
ઘરઆંગણે આવનારી મેચો અમારા માટે મૉક ટેસ્ટ જેવી હશે
શ્રીજેશે હોકી ઈન્ડિયાની એક રીલીઝમાં કહ્યું હતું કે એફઆઈએચ હોકી પ્રો લીગ અમારા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે કારણ કે અમને કેટલીક ટોચની ટીમો સામે રમવાની તક મળે છે. ઘરઆંગણે આવનારી મેચો અમારા માટે મૉક ટેસ્ટ જેવી હશે, તે અમને જાન્યુઆરી 2023માં સાચા પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. અમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે કારણ કે તે અમને વર્લ્ડ કપ માટે ગતિ વધારવામાં મદદ કરશે. વિશ્વના પાંચમા નંબરની ટીમ ભારતને છઠ્ઠા ક્રમાંકિત ઈંગ્લેન્ડ, આઠમા ક્રમાંકિત સ્પેન અને વેલ્સ સાથેના ગ્રુપમાં મૂકવામાં આવ્યું છે. શ્રીજેશે કહ્યું હતું કે તે એક રસપ્રદ પૂલ છે. તાજેતરમાં બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ઈંગ્લેન્ડ અને વેલ્સ રમ્યા બાદ, મને લાગે છે કે તે એક અઘરી સ્પર્ધા હશે.
વર્કલોડ મેનેજ કરવા મહિલા બિગ બેશ લીગમાંથી ખસવાનું વિચારતી સ્મૃતિ મંધાના
ડર્બી, ભારતીય મહિલા ટીમની વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના તેના વર્કલોડને મેનેજ કરવા માટે મહિલા બિગ બેશ લીગમાંથી ખસી જવા વિચારી રહી છે જેથી તે રાષ્ટ્રીય ટીમ માટે રમવા માટે ફિટ રહી શકે. ફેબ્રુઆરીમાં ભારતે વન ડે વર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડ સામે દ્વિપક્ષિય સીરિઝ રમી ત્યારથી મંધાના સતત રમી રહી છે. મંધાનાએ બીજી ટી20 પહેલા વર્ચ્યુઅલ મીડિયા ઇન્ટરેક્શનમાં કહ્યું, સ્વાભાવિક છે કે હું બીબીએલમાંથી ખસવાનું વિચારી રહી છું.
દિનેશ કાર્તિકનું ‘ડ્રીમ્સ ડુ કમ ટ્રુ’ ટ્વિટ બન્યું વાયરલ
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે આજે સોમવારે સાંજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 15 સભ્યોની ટીમમાં પોતાનું નામ જોઈને દિનેશ કાર્તિકે ટ્વિટર પર માત્ર ચાર જ શબ્દોનું એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે ‘ડ્રીમ્સ ડુ કમ ટ્રુ’ અર્થાત સપના સાકાર થાય છે. ચાર શબ્દોનું કાર્તિકનું આ ટ્વીટને હવે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને તેને ઘણી બધી લાઈક્સ મળી રહી છે અને થોડી જ વારમાં તે વાયરલ બન્યું હતું.