Business

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાંથી 5.30 લાખની અને હોમિયોપેથીક સેન્ટરમાંથી 15 હજારની ચોરી

સુરત: રાંદેર રૂષભ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં (Shoping Center) ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં (Office) 5.0 લાખની અને હોમિયોપેથીક સેન્ટરમાં 15 હજારની મળી 5.45 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પાલનપુર પાટિયા ગોપાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય જિગ્નેશ ધનસુખ ગાંધી રૂષભ ચાર રસ્તા સંગીની મેગ્નસ શોપિંગમાં ન્યૂ ભારત એજન્સી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ઓફિસ ધરાવે છે. ગઈકાલે રાત્રે દોઢેક વાગે અજાણ્યાઓએ તેમની ઓફિસમાં બારી મારફતે પ્રવેશ કર્યો હતો. બાદમાં લાકડાના ડ્રોઅરમાં મૂકેલા રોકડા 5.30 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ તસ્કરોએ તેમની ઓફિસની બાજુમાં આવેલા પારસ ઓઝોન થેરાપી સેન્ટર હોમિયોપેથીક સેન્ટર નામની ક્લિનિકનું પણ તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને રિસેપ્શન ટેબલના ડ્રોઅરમાંથી રોકડા 15 હજારની ચોરી કરી હતી. રાંદેર પોલીસ સ્ટેશનમાં આ બંને ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ બંને કેસમાં સીસીટીવીના આધારે વધારે તપાસ હાથ ધરી છે.

અડાજણમાં વકીલના ફ્લેટમાંથી 46 હજારની ચોરી
અડાજણ પોલીસના જણાવ્યા મુજબ પાલનપુર જકાતનાકા મંગલદીપ કોમ્પ્લેક્સમાં રહેતા 25 વર્ષીય દર્શન સુરેશ ચૌહાણ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ફ્લેટમાં ગઈકાલે મળસકે સાડા છ વાગ્યાથી સાડા સાત વાગ્યાના આરસમાં કોઈ અજાણ્યાએ મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલની કડી ખોલીને પ્રવેશ કર્યો હતો. અને ઘરમાંથી ત્રણ મોબાઈલ, દર્શનભાઈના પિતાના પર્સમાંથી રોકડા ૩૮૦૦, અગત્યનાં ડોક્યુમેન્ટ્સ મળી કુલ રૂપિયા ૪૬,૮૦૦ની મતાની ચોરી થઈ હતી.

પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક, મોબાઈલની દુકાનમાં ઘુસી રોકડા 40 હજારની લૂંટ
સુરત : પાંડેસરાના નાગસેન નગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. જેમાં નાગસેન નગરમાં મોબાઇલની અને મની ટ્રાન્સફરનું કામ કરાતી દુકાનમાં નાગસેન નગરમાં જ રહેતો અને માથાભારે તરીકે છાપ ધરાવતો યુવક તલવાર લઇ દુકાનમાં ઘુસી આવ્યો હતો. દુકાનમાં તોડફોડ કરી કાઉન્ટરમાં મુકેલા રોકડા રૂપિયા 40 હજાર કાઢી ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાઈ હતી. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ચીકુવાડી સામે નાગસેનનગરમાં રહેતો આઝાદ દિનેશકુમાર ગુપ્તા ઘરની નીચે જ પુષ્પા મોબાઇલ નામની મોબાઇલની દુકાન ધરાવે છે. અને ત્યાંથી જ મની ટ્રાન્સફરનું પણ કામ કરે છે. બે દિવસ પહેલા સવારે આઝાદ તેના મિત્ર દિનેશ તિવારી સાથે દુકાને બેઠો હતો. ત્યારે બે ગ્રાહકો ત્યાં આવ્યા હતા. આઝાદ બંને ગ્રાહકોમાં ધ્યાન આપતો હતો. ત્યારે માથાભારે તરીકે છાપ ધરાવતો પ્રદિ૫ ઉર્ફે ૫દીયો સુરેશ વાનખેડે (રહે. નાગસેન નગર, પાંડેસરા) તલવાર લઇ દુકાનમાં આવ્યો હતો. તલવાર લઈને આવેલા પ્રદિપને જોઈને દિનેશ, આઝાદ અને બંને ગ્રાહકો ડરી ગયા હતા. પ્રદિપે દુકાનમાં ઘુસીને દુકાનની અંદર કાચનું પાર્ટીશન તોડી નાખ્યું હતું. પથ્થર મારી કાચનો દરવાજો તોડી નાખ્યો હતો. અને દુકાનમાં કાઉન્ટરમાં મુકેલા 40 હજાર રોકડા લૂંટી ગયો હતો. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top