નવસારી : (Navsari) નવસારી-વિજલપોર (Vijalpor) નગરપાલિકાએ રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે માલધારી સમાજના આગેવાનોએ ગોવાળિયા સાથે રહેતા ઢોરોને નહીં પકડી બિનવારસી ઢોરોને રાત્રી દરમિયાન પકડવા માટે રજૂઆત કરી છે. સાથે જ માલધારી સમાજના આગેવાનોએ ઢોરો પકડવામાં મદદ કરવા માટે પણ જણાવ્યું હતું.રાજ્યમાં જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોને પગલે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકા (Municipality) અને નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતા ઢોરોને ઝડપી પાડી પાંજરાપોળમાં ખસેડવા માટેની કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા હતા. જેથી નવસારી-વિજલપોર નગરપાલિકાએ પાલિકા વિસ્તારમાં આજે જાહેર રસ્તા પર રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરી હતી.
ઢોરોના માલિકોએ પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી
ઢોરોના માલિકો નગરપાલિકાએ પહોચી પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. જે બાબત પાલિકાના સી.ઓ. પાસે પહોંચતા માલધારી સમાજના આગેવાનોએ પાલિકાના સી.ઓ. ને રજૂઆત કરી જણાવ્યું હતું કે, ગોવાળિયાઓ સાથે જાહેર રસ્તા ઉપર ઢોર હોય તો તેવા ઢોરોને પકડવા નહીં, જો ઢોર બિનવારસી હોય તો તેને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવા. ઢોર પકડવાની કામગીરી રાત્રી દરમિયાન થાય તો તેમાં માલધારી સમાજના યુવાનો ઢોરો પકડવા પાલિકાને મદદ કરશે તેમ જણાવ્યું હતું. જેથી પાલિકાના સી.ઓ. એ તેમની રજૂઆત ધ્યાને લઇ ઢોર સાથે ગોવાળ કે માલિક હશે તેવા ઢોરોને નહીં પકડવાની ખાત્રી આપી હતી.