સુરત : વરાછા (Varacha) ખાતે ગ્લોબલ માર્કેટમાં કરોડોની છેતરપિંડીના કેસમાં પોલીસ (Police) ચોપડે વોન્ટેડ રવિ ગોહીલને પોલીસે (Police) ભાવનગરથી (Bhavnagar) દબોચી લીધો હતો. આરોપી દુબઈ ભાગી જઈ ભાડાના ફ્લેટમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો હતો. ત્યાંથી ભારત આવીને જુનાગઢના મંદિરોમાં છુપાતો હતો. થોડા દિવસ પહેલા ભાવનગર ઘરે આવતા જ ઇકો સેલની ટીમે તેને ઉંચકી લીધો હતો.
વરાછા પોલીસ હદમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં એડીએસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઇઝ નામની ફર્મથી વેપાર ધંધો કરતા ભાગીદારો દ્વારા કરોડો રૂપિયાનું ઉઠામણુ કરાયાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ગત 14 મે ના રોજ નોંધાઈ હતી. ગુનાઓની ગંભીરતા ધ્યાને લઇ ઇકો સેલની ટીમ દ્વારા આરોપીઓ અમ રફીક પેનવાલા, દિક્ષીત બાબુભાઇ મીયાણી, જનક દિપકભાઈ છાટબાર, દામજીભાઇ માંગુકીયા, મહાવીર પ્રસાદ સીતારામ તાપડીયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રકાશચંન્દ્ર પરોહીતને પકડી પાડ્યા હતા. તેમજ તપાસ દરમ્યાન કુલ 4.73 કરોડનો મુદામાલ રીકવર કરાયો હતો. બન્ને ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી સ્મીત ચંદ્રકેતુ છાટબાર, અનસ ઇકબાલ મોતીયાણી, રવિ જેઠુભા ગોહીલ, અશ્વિન જેઠુભા ગોહીલ પોલીસ પકડથી વોન્ટેડ હતા.
ઇકો સેલની ટીમ ભાવનગર ખાતે આરોપીઓની તપાસ માટે ગઈ હતી ત્યારે આરોપી રવિ જેઠુભા ગોહીલ તેના ઘરે જ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ઘરે છાપો મારી રવીરાજસિંહ ઉર્ફે રવિ જેઠુભા ગોહીલને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. રવિ અન્ય પકડાયેલા આરોપીઓ સાથે ભેગા મળી વિવર્સો પાસેથી મોટી માત્રામાં ગ્રે કાપડ મંગાવતા હતા. અને તેનુ પેમેન્ટ નહી કરી ઉઠામણુ કરી નાસી જતા હતા. તેને એડીએસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઇઝમાં આવેલા ગ્રે કાપડનો માલ પોતાના નામની ઓમ ફેબ્રિક્સ નામના ફર્મમાં બતાવી બાદમાં કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેચાણ કરી વિવર્સો સાથે છેતરપિંડી કરી હતી. અને પોતે તથા આરોપી અનસ મોટીયાણી સાથે દુબઇ ખાતે જતો રહ્યો હતો. દુબઇ ખાતે રવિ ગોહીલ અને અનસ મોટીયાણી ભાડેથી ફ્લેટ રાખી દુબઇની અલઅવીર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો કરતા હતા. 15 ઓગસ્ટે રવિ ગોહીલ દુબઇથી ભારત આવ્યો હતો. અને પોલીસથી બચવા માટે જુનાગઢ તરફ આવેલા મંદીરોમાં રોકાયો હતો. હાલ થોડા દિવસોથી પોતાના મુળ વતન વાવ ગામ ખાતે ખેતરોમાં અને ઘરે છુપાઇને રહેતો હતો.