સુરત: ડ્રગ્સના (Drugs) દૂષણને જડમૂળમાંથી ડામવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) કટિબદ્ધ છે અને તેનું જ પરિણામ છે કે ગુજરાત પોલીસે વીતેલા એક વર્ષમાં રાજ્યમાં ઘૂસાડવામાં આવેલું 6500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ સાથે જ ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ગેંગના (International Drugs Network) કેટલાંક સાગરિતોને પકડી પાડ્યા છે. દિલ્હી પોલીસ સાથે મળીને પણ ગુજરાત પોલીસે ડ્રગ્સ રેકેટના અનેક ઓપરેશન પાર પાડ્યા છે.
- એક વર્ષમાં ગુજરાત પોલીસે 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું
- બગ્ગા ખાનનું ગુજરાત ડ્રગ્સ નેટવર્ક તોડી પાડ્યું
- ગૃહમંત્રીએ ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા
સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વિશ્વના અન્ય દેશોમાં ડ્રગ્સને પેશન સ્ટેટમેન્ટ માનવામાં આવે છે, પરંતુ ભારતમાં તે કાબુમાં છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લાં એક વર્ષથી ડ્રગ્સના દૂષણને જડમૂળમાંથી નાબૂદ કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેને સારી સફળતા મળી છે. વીતેલા એક વર્ષમાં ગુજરાત પોલીસે 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. પત્રકાર પરિષદમાં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ સામેની ઝૂંબેશમાં સારી કામગીરી કરનાર ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા હતા. અહીંથી નહીં અટકતા ગુજરાત પોલીસે ડીઆરઆઈ, દિલ્હી પોલીસ સહિત અન્ય એજન્સીઓ અને અન્ય રાજ્યની પોલીસ સાથે સંયુક્ત ઓપેરશન હાથ ધરી દેશભરમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવાની દિશામાં પ્રસંશનીય કામગીરી કરી હોવાનો ઉલ્લેખ હર્ષ સંઘવીએ કર્યો હતો.
હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસે પાકિસ્તાન બોર્ડર પર હલ્લાબોલ કરી આંતરરાષ્ટ્રી ડ્રગ્સ નેટવર્કને ગુજરાતમાં ઘૂસતા રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તે ઉપરાંત દિલ્હીમાં 1000 કરોડનું અને કલક્તામાં 49 કરોડનું ડ્રગ્સ પકડવામાં ઉત્તમ કામગીરી કરી છે. આંતરરાષ્ટ્ર ડ્રગ્સ નેટવર્કના ભારતના કનેકશન તોડી પાડવા સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગના અફઘાનિસ્તાનના વહલ ઉલ્લા ખાન જેવા ઈસમોને પકડ્યા છે. બગ્ગા ખાનનું ગુજરાતનું ડ્રગ્સ નેટવર્ક પોલીસે તોડી પાડ્યું છે. સંઘવીએ વધુમાં કહ્યું કે, ડ્રગ્સ મામલે હું રાજનીતિ કરતો નથી, પરંતુ છેલ્લાં એક વર્ષમાં ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કામગીરીના આંકડા રાજનૈતિક રીતે ગુજરાત ભાજપની સરકારને બદનામ કરનારાઓ માટે સણસણતા તમાચા સમાન છે.
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, ડ્રગ્સ મામલે ગુજરાતને બદનામ કરનારા સાંભળી લે પંજાબની જેલમાંથી બગ્ગા ખાનની ગેંગ ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટને ઓપરેટ કરતી હતી, જેને ગુજરાત પોલીસે પકડી પાડ્યું હતું. પંજાબ પોલીસે આ મામલે ગુજરાત પોલીસના સહકારની પ્રશંસા કરી હતી.
ગ્રેડ પે એફિડેવીટ મામલે નાણાં વિભાગને રજૂઆત કરાઈ છે: હર્ષ સંઘવી
આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રેડ પેના મામલે પણ પત્રકારો સમક્ષ કેટલાક તથ્યો રજૂ કર્યા હતા. ગ્રેડ પે માટે એફિડેવિટ કરવાના મુદ્દે ગુજરાત પોલીસમાં અસંતોષ છે, તે મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા અંગે ગુજરાત રાજ્યના નાણાં વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. નાણાં વિભાગ તે અંગે મંજૂરી આપશે તેવી અપેક્ષા છે.