સેલવાસ-દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની દમણગંગા (Damanganga) નદીની (River) વચ્ચે ઉંચા પથ્થર પર એક વ્યક્તિ લઘુશંકા કરવા અર્થે ગયો હતો. જ્યાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને (Rain) પગલે મઘુબન ડેમ (Madhuban Dem) પ્રશાસન દ્વારા ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની કાર્યવાહી કરાતા નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. જેને લઈ લઘુશંકા કરવા ગયેલો વ્યક્તિ પાણીના વહેણની વચ્ચે ફસાઈ ગયો હતો. મદદ માટે જોર જોરથી પોકાર લગાવતા આસપાસના લોકોની નજર પડતા ઘટનાની જાણ તુરંત સેલવાસ પોલીસને કરી હતી.
પોલીસ વિભાગની ટીમે તુરંત મધુબન ડેમ પ્રશાસનને પણ ઘટનાની જાણ કરી
સેલવાસ પોલીસની એક ટીમ તુરંત બનાવ સ્થળે આવી ફાયર વિભાગની ટીમને બનાવ અંગે જણાવી જગ્યા પર આવવા જણાવ્યું હતું. આ તરફ પોલીસ વિભાગની ટીમે તુરંત મધુબન ડેમ પ્રશાસનને પણ ઘટનાની જાણ કરી ડેમના દરવાજા બંધ કરવા જણાવ્યું હતું. જેને લઈ ડેમ પ્રશાસને તુરંત ડેમના દરવાજા બંધ કરતાં પાણીનો પ્રવાહ થોડા સમય બાદ બંધ થઈ જતાં ફાયર વિભાગની ટીમે નદી વચ્ચે ફસાયેલા વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
ધરમપુરના હથનબારી ગામે ખેતરમાં યુવાન ઉપર વીજળી પડતાં મોત\
ધરમપુર: ધરમપુર તાલુકાના હથનબારી ગામના મહાલ ફળીયામાં રહેતાં ચેતન રામુ ગાંવિત ઉવ.28 જે પોતાના ખેતરમાં સાફ સફાઈનું કામ કરી રહ્યો હતો. ખેતરમાં કામ કરતી વેળા અચાનક ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડતાં વરસાદથી બચવા માટે ચેતન ઝાડની નીચે ઉભો રહી ગયો હતો. તેજ અરસામાં અચનાક વીજળી પડતાં ઝાડ નીચે ઉભેલા ખેડૂત ચેતન ગાંવિત જમીન પર પટકાતા બેભાન થઈ ગયો હતો. ચેતન ને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક લઈ જતાં જયાં તબીબે ચેતનને વીજળી પડવાથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જે અંગેની જાહેરાત સતિષ રામુ ગાંવિતએ ધરમપુર પોલીસ મથકે નોધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.