સુરત: શહેરમાં આજે બેવડી ઋતુનો અનુભવ લોકોએ કર્યો હતો. સવારે તડકો અને બપોર પછી છુટાછવાયા વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આગામી બે દિવસ બાદ ફરી વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓરીસ્સામાં લો પ્રેસર સિસ્ટમ આગળ વધી છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે. એટલે 11 તારીખ પછી શહેરમાં ફરીથી વરસાદી માહોલ જામશે. બે દિવસથી શહેરમાં છુટાછવાયા વિસ્તારોમાં ધોધમાર વરસાદનું ઝાપટું વરસી રહ્યું છે. આજે પણ શહેરમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. સાંજે તો ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જોકે થોડીવાર પછી પરત સૂર્યનો તડકો જોવા મળ્યો હતો. જિલ્લાના બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઓલપાડમાં બે મીમી અને પલસાણામાં છ મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પણ સામાન્ય વરસાદ નોંધાતા હથનુર ડેમમાંથી 40 હજાર અને પ્રકાશામાંતી 23 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમમાં 38 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમમાંથી 6 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ઉકાઈડેમની સપાટી 338.57 ફુટે પહોંચી હતી.
ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં અંકલેશ્વરમાં 2 અને વાલિયામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો
ભરૂચ: ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતાં પંથકમાં ભારે ઉકળાટ અને બફારાનું વાતાવરણ સર્જાતાં લોકો પરેશાન થઇ ગયા હતા. બે-ત્રણ દિવસથી બપોરના સમયે લોકો પરસેવેથી રેબઝેબ થઇ રહ્યા હતા. ગણેશજીના અનંત ચૌદશના આગલા દિવસે 24 કલાકમાં ગુરુવારે સાંજે જિલ્લામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસતાં અંકલેશ્વરમાં ૨ અને વાલિયામાં ૧ ઇંચ વરસાદ સહિત ૬ તાલુકામાં મેઘમહેર થઇ હતી. ધમાકેદાર વરસાદના પગલે વીજ પુરવઠો બંધ થતાં કલાકો સુધી રાત્રે અંધારપટ છવાઈ ગયો હતો. ભરૂચ, હાંસોટ, ઝઘડિયા અને વાગરા તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ થતાં આખરે બફારા અને ઉકળાટથી રાહત મળી હતી.
ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે ૧૦૯ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને છેલ્લાં કેટલાંક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે મોસમનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસવા છતાં જિલ્લામાં હજી ઠંડકનો અનુભવ થઇ રહ્યો નથી. બીજી તરફ વરસાદના અભાવે જિલ્લામાં ઉકળાટ અને બફારાભર્યું વાતાવરણ રહેવાથી લોકો ભારે પરેશાન થઇ રહ્યા હતા. છેલ્લાં બે-ત્રણ દિવસથી આકાશમાં વાદળોની ફોજ ઊતરી રહી હોવાથી વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી હતી.
જોકે, વરસાદ હાથતાળી આપી જતો રહેતો હતો. ગુરુવારે પણ સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળોને લઇ લોકો વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડી બેઠા હતા. દરમિયાન સાંજના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.