Sports

ભારત-અફઘાનિસ્તાનની મેચ શરૂ થાય તે પહેલાં દુબઈના સ્ટેડિયમમાં આગ લાગી

દુબઈ: ભારત (India) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચેની મેચ (Cricket Match) શરૂ થાય તે પહેલાં દુબઈના સ્ટેડિયમમાં આગ (DubaiStadiumFire) લાગી છે. સ્ટેડીયમના એન્ટ્રી ગેટ પાસે આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ફાયરના કાફલા દ્વારા આગને ઓલવવાના પ્રયાસો શરૂ કરાયા છે. આ અગાઉ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બાદ સ્ટેડિયમની અંદર જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી, જેના લીધે દુબઈના સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા, ત્યારે આ આગની ઘટનાએ દુબઈના સુરક્ષાકર્મીઓને દોડતા કરી દીધા છે. વિશ્વ ક્રિકેટ જગત પણ ઉપરાછાપરી બનેલી આ બે ઘટનાઓને લીધે આઘાત પામ્યું છે.

એશિયા કપ-2022માં ભારતે આજે (8 સપ્ટેમ્બર) છેલ્લી મેચ રમવાની છે. દુબઈ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા અકસ્માત થયો છે. સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આગ લાગી છે, જેને બુઝાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ આગ એન્ટ્રી ગેટ પાસે એક બિલ્ડિંગમાં લાગી હતી. જેનો ધુમાડો આખા સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો. આ આગ ત્યારે શરૂ થઈ છે જ્યારે ટુંક સમયમાં અહીં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 મેચ રમાવાની હતી.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ગુરુવારે એશિયા કપ-2022માં પોતાની છેલ્લી મેચ રમવાની હતી. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ફાઈનલની રેસમાંથી બહાર છે, તેથી અફઘાનિસ્તાન સામેની મેચ માત્ર એક ઔપચારિકતા છે. એશિયા કપ-2022માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. લીગ મેચમાં સતત બે મેચ જીત્યા બાદ જ્યારે ભારત સુપર-4માં પહોચ્યું ત્યારે તેને પાકિસ્તાન અને ત્યારબાદ શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર-4 મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે અને શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયા હવે અફઘાનિસ્તાન સામે એક રીતે ઈજ્જત વિરુદ્ધ રમી રહી છે, કારણ કે જો તે અહીં જીતશે તો ઓછામાં ઓછું સુપર-4 તબક્કામાં તેની જીત તો થશે જ. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા એક મોટી ટૂર્નામેન્ટમાં અપેક્ષાઓ સાથે ઉતરી હતી, પરંતુ તે અહીં પણ નિષ્ફળ સાબિત થઈ. એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયાએ હજુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે શ્રેણી રમવાની છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી કસોટી હશે, જેના પછી ભારતીય ખેલાડીઓ સીધા જ ટી20 વર્લ્ડ કપમાં પોતાની તાકાત બતાવશે.

Most Popular

To Top