અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસે (Congress) ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. 5મી સપ્ટેમ્બરે રાહુલ ગાંધીની અમદાવાદ (Ahmedabad) મુલાકાત બાદ કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકાયો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 42 સભ્યએ ઉમેદવારોની પસંદગી માટે 130 જેટલાં સૂચન કર્યાં હતાં.
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠક સાથે વિજય મેળવવાના સંકલ્પથી ચૂંટણીલક્ષી કાર્યક્રમનો આરંભ કરી ચૂકી છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્ક્રીનિંગ કમિટીની અગત્યની બેઠક યોજાઇ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, 12મી સપ્ટેમ્બર સુધી જે કોઈ ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તેઓએ પોતાનો બાયોડેટા-અરજી જિલ્લા કાર્યાલય ખાતે આપવાનો રહેશે. તેમજ જિલ્લા કાર્યાલય આવેલા તમામ બાયોડેટાઓ અને અરજીઓને 15મી સપ્ટેમ્બર સુધી પ્રદેશ કાર્યાલય ખાતે મોકલવાની રહેશે.
18મી સપ્ટેમ્બરના રોજ ઉમેદવારો માટેની અરજીઓની સમીક્ષા કરાશે. સાથે સાથે તા.21, 22 અને 23 સપ્ટેમ્બરના રોજ ઝોનલ ઇનચાર્જ, ચૂંટણી સમિતિના સભ્યો મંતવ્યો અને સૂચનો જાણશે. જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, વિધાનસભામાં ઉમેદવારી કરવા માંગતા યુવાનો પોતાની અરજી-બાયોડેટા જિલ્લા પ્રમુખને આપી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાતમાં જ થશે. નારાજ કે અસંતુષ્ટ આગેવાનોને યોગ્ય સમજાવટ માટે તાલુકા કક્ષાએ નિષ્ઠાવાન સભ્યોની ડેમેજ કંટ્રોલ કમિટી બનાવવામાં આવી છે. જેનું એઆઈસીસીનું નેતૃત્વ પણ દેખરેખ રાખશે.