એક સરસ કાર્યક્રમ હતો ‘નોટ ટુ બી પરફેક્ટ, ઇટ્સ ઓકે’ નામ પરથી જ કંઇક જુદો થોડો વિચિત્ર અને વધુ ઇન્ટરેસ્ટીંગ લાગ્યો.કોઈપણ ઉમંરના સ્ત્રી પુરુષો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેવી છૂટ હતી,કોઈ વય મર્યાદા ન હતી અને કોઈ ખાસ ક્વોલીફીકેશનની પણ જરૂર ન હતી.. કાર્યક્રમ શરુ થયો બધા ધીરે ધીરે આવવા લાગ્યા.પહેલા સ્પીકર આવ્યા અને સ્ટેજ પર ચઢતા ચઢતા બેલેન્સ ગયું અને પડી ગયા.ઓડિયન્સમાંથી કોઈ હસ્યા ,કોઈ ના મોઢામાંથી ‘ઓહ માય ગોડ’ નીકળી ગયું.અમુક લોકો મદદ માટે દોડી આવ્યા.પણ સ્પીકર બીજી જ મીનીટે ઉભા થઈને બોલ્યા, ‘ઇટ્સ ઓકે ,તમે હસો કે ચિંતા કરો મને કોઈ વાંધો નથી. હું માણસ છું તો ચાલતા કે ચઢતા પડી પણ જાઉં.’ બધા ચુપ થઈ ગયા.
સ્પીકરે આવતા જ કાર્યક્રમની રૂપરેખા સમજાવતા કહ્યું કે , ‘આ કાર્યક્રમ બધા કરતા જુદો એટલા માટે છે કે બધા કાર્યક્રમ જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ કામ કરતી વખતે એકપણ ભૂલ ન કરવી શીખવે છે જયારે આ કર્યક્રમ તમને જણાવે છે કે તમે માણસ છો ભૂલ થાય તો ભલે થાય ભૂલમાંથી શીખો અને આગળ વધો. ઇટ્સ ઓકે…આ કાર્યક્રમ બાદ તમે પોતે કહેશો કે જીવનનો સૌથી મોટો અને શીખવો જરૂરી હોય એવો કોઈ પાઠ હોય તો તે છે ‘ઇટ્સ ઓકે’ કાર્યક્રમની શરૂઆત થઇ પહેલા એક પ્રશ્નોના જવાબ બધાએ લખવાના હતા.બીજી રમતો હતી જેમાં હારનારને ઇનામ હતું.બધી જુદી જુદી પ્રવૃતિઓ દ્વારા એ જ સમજાવવામાં આવી રહ્યું હતું કે માણસ છીએ તો ભૂલ થઈ શકે તેમાં દરેક બાબતમાં પરફેક્ટ બનવું અને તેનો ભાર લઈને દબાવું જરૂરી નથી.
કાર્યક્રમમાં એક સરસ કાર્ડ બધાને આપવામાં આવ્યું જેમાં અમુક વાક્યો લખ્યા હતા કે ‘મારી ભૂલ થઈ ,ઇટ્સ ઓકે’ ‘આજે મેં મારી પસંદની વાનગી બનાવી જે બાળકોને નથી ભાવતી, ઇટ્સ ઓકે તેઓ મેગી ખાઈ લેશે.’ ‘આજે મેં ખોટો હિસાબ કર્યો, ઇટ્સ ઓકે બીજીવાર ધ્યાન રાખીશ.’ ‘આજે ઓફીસ પહોંચતા મોડું થયું, ઇટ્સ ઓકે ટ્રાફિક પર મારો કાબુ ન હતો.’ ‘આજે મને ખુબ જ ગુસ્સો આવ્યો. ઇટ્સ ઓકે’ ‘મારું વજન વધારે છે.ઇટ્સ ઓકે હું ઓછું કરવાની મહેનત કરીશ પણ શરમાઈને નહી બેસું.’
‘હું આજે કારણ વિના ખુશ છું એટલે હું તે ખુશી ઉજવીશ.ઇટ્સ ઓકે’ ‘આ સબંધ કે સ્વજન મને નકારાત્મક રીતે બાંધી રાખે છે હું તે તોડી આગળ વધીશ ઇટ્સ ઓકે .’ આવા ઘણા વાક્યો બાદ લખ્યું હતું જીવનમાં જે કઈ બને છે તેનો સ્વીકાર કરો, ભૂલોને સ્વીકારો, આપણા વાંક અને ખામીને પણ ‘ઇટ્સ ઓકે’ કહી સ્વીકારી લો.જીવનની કપરી ક્ષણોને પણ ‘ઇટ્સ ઓકે’ કહીને જીવી લો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.